બ્રિટનને ડરાવનાર એ ભારતીય જાદુગર : જાણો

0
46
Indian magician
Indian magician

9 એપ્રિલ 1956ના દિવસે બીબીસીના ફોનના સ્વીચબોર્ડ પર અચાનક લાઇટો ઝબૂકવા લાગી. સેંકડો લોકોએ ફોન કરીને ચિંતા વ્યક્ત કરી કે તેમણે હમણાં જ ટીવી સ્ક્રીન પર હત્યા થતી લાઇવ જોઈ છે. : Indian magician 

દેખાવે રહસ્યમય લાગતા પૂર્વના એક જાદુગરે 17 વર્ષની છોકરીને ટ્રાન્સમાં લીધી હતી.

તેને એક ટેબલ પર સુવડાવી દીધી અને પછી એક મોટી આરીથી કોઈ કસાઈ કાપે એ રીતે તેના શરીરના બે ટુકડા કરી નાખ્યા.

સૌથી લોકપ્રિય એવા પેનોરમા પ્રોગ્રામના સમાપનમાં આ જાદુગરી દેખાડવામાં આવી હતી.

જોકે, કંઈક ગરબડ થઈ હતી અને લોકો ગભરાયા હતા.

જાદુગરે તેના સહાયકનો હાથ પકડી તેને હચમચાવીને જીવંત કરવાની કોશિશ કરી, પણ તેણે કોઈ પ્રતિભાવ ના આપ્યો.

જાદુગરે અફસોસમાં માથું ધુણાવ્યું અને યુવતીના મોં પર કાળું કપડું ઢાંકી દીધું.


જાદુનો શો અચાનક અટકાવી દેવાયો

પ્રોગામના સેટ પર પી.સી. સરકારImage copyrightNEW YORK PUBLIC LIBRARY

કાર્યક્રમ રજૂ કરનારા પ્રેઝન્ટર રિચર્ડ ડિમ્બલી કેમેરા સામે આવ્યા અને કાર્યક્રમ સમાપન થયાની જાહેરાત કરી.

કાર્યક્રમ તૈયાર કરનારા લોકોની ક્રેડિટ લાઇન ફરવા લાગી અને તે સાથે જ લંડનના લાઇમ ગ્રૉવ સ્ટુડિયોની ટેલિફોન લાઇનો ધણધણી ઊઠી.

પશ્ચિમમાં મૅજિક શો કરવામાં સરકારને મુશ્કેલી પડી રહી હતી.

લંડનનું ડ્યુક ઑફ યોર્ક થિયેટર ત્રણ અઠવાડિયા માટે તેમણે બૂક કરી લીધું હતું.

તેથી તેમના માટે પેનોરમા કાર્યક્રમમાં હાજરી આપવાની વાત બહુ મહત્ત્વની સાબિત થઈ હતી.

આ કાર્યક્રમને કારણે મળનારી પ્રસિદ્ધિનો તેઓ ભરપૂર ઉપયોગ કરવા માગતા હતા.

જાદુનો શો અચાનક કેમ અટકાવી દેવાયો તેનો ખુલાસો કરતાં એવું જણાવાયું હતું કે સરકારનો સમય પૂરો થઈ ગયો હતો.

જોકે, સરકારને નજીકથી જાણનારાને ખબર હતી કે આ વાત સાચી નહોતી.

તેમના હરીફો પણ એ વાત સ્વીકારી કે સમયની બાબતમાં તેઓ એકદમ ચુસ્ત હોય છે.

પોતાના મદદનીશ દિપ્તી ડેને રેઝર શાર્પ બ્લેડથી કાપી નાખવાની તેમની જાદુગરી હાથચાલાકીનો બહુ ઉત્તમ નમૂનો હતો.

બીજા દિવસે અખબારોમાં પણ આ ઘટના પહેલા પાને ચમકી.

ચિત્કારભરેલી હેડલાઇન્સમાં લખાયું હતું, “યુવતીના બે ટુકડા કરી નખાયા – ટીવીમાં આઘાતજનક ઘટના” અને “આરી સાથેના સરકારે આપ્યો આંચકો”. ડ્યુક ઓફ યોર્કના તેમના શૉ સોલ્ડ આઉટ થઈ ગયા.

નસીબે બનાવ્યા જાદૂગર?

પી.સી. સરકારImage copyrightCOLLECTION OF SAILESWAR MUKHERJEE

સરકારનું પૂરું નામ હતું પ્રોતુલ ચંદ્ર સરકાર. તેમનો જન્મ 23 ફેબ્રુઆરી 1913માં તંગેલ જિલ્લાના અશેકપુર ગામમાં થયો હતો. આ ગામ હવે પશ્ચિમ બંગાળમાં છે.

શાળામાં ગણિતમાં તેઓ બહુ હોશિયાર હતા. કેટલાક કહે છે કે તેઓ અત્યંત પ્રતિભાશાળી હતા, પણ તેમનું નસીબ તેમને જાદુગર બનવા તરફ લઈ ગયું.

તેમણે પોતાનું નામ Sorcar એવું કર્યું (તે “sorcerer” જેવું લાગતું હતું) અને ક્લબ, સરકસ અને થિયેટરોમાં તેમણે જાદુના શો આપવાનું શરૂ કરી દીધું.

બંગાળની બહાર હજી તેમનું નામ જાણીતું થયું નહોતું, પણ તેમણે પોતાને વિશ્વના સૌથી મહાન જાદુગર (“The World’s Greatest Magician” – ટૂંકમાં “TW’sGM”) તરીકે ઓળખાવાનું શરૂ કરી દીધું હતું.

આ રીત કામ કરી ગઈ અને દેશભરમાંથી તેમને આમંત્રણ મળવા લાગ્યું.

જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ થવાનું વધારે મુશ્કેલ હતું.

પશ્ચિમના જાદુગરો ભારતીય જાદુગરોને નીચી નજરે જોતા હતા. તેમને અણઘડ અને આવડત વગરના ગણતા હતા.

આંખે પાટા બાંધી વાચંવાનો જાદુ બતાવ્યો

પી.સી. સરકારના કાર્યક્રમનું એક દ્રશ્યImage copyrightNEW YORK PUBLIC LIBRARY

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સૈનિક ટુકડીઓના મનોરંજન માટે અમેરિકામાં હાથચાલાકીના ખેલ કરનારા ભારતની મુલાકાતે આવતા હતા.

તેમની સાથે સરકારે પોતાના સંબંધો કેળવ્યા હતા. તેમણે મૅજિકને લગતા મેગેઝીનોમાં લેખો પણ લખ્યા હતા.

ઇન્ટરનૅશનલ બ્રધરહૂડ ઑફ મૅજિશિયન્સ અને સોસાયટી ઑફ અમેરિકન મેજિશિયન નામની બે સંસ્થાઓએ 1950માં શિકાગોમાં સંયુક્ત સંમેલન બોલાવ્યું હતું.

તેમાં કાર્યક્રમ આપવાનું આમંત્રણ તેમને મળ્યું જે તેમણે સહર્ષ સ્વીકારી લીધું.

શેરમેન હોટલના કન્વેન્શન હૉલમાં તેઓ પ્રવેશ્યા ત્યારે અરેબિયન નાઇટ્સના કોઈ પાત્ર જેવા લાગતા હતા.

પ્રેસ ફોટોગ્રાફરોને આ પૂર્વના વિચિત્ર વેશધારીમાં રસ પડી ગયો અને તેમની ધડાધડ તસવીરો લેવા લાગ્યા હતા.

અહીં તેમણે આંખે પાટા બાંધીને બ્લૅકબોર્ડ પર જે પણ લખવામાં આવે તે વાંચી બતાવવાનો જાદુ કર્યો હતો. તે જાદુ જોકે નિરસ રહ્યો હતો.

તે પછી વધારે ખરાબ સમય આવ્યો. તેમણે બે અગ્રણી જાદુગરો પર ચિટિંગનો આરોપ લગાવ્યો.

Genii નામના મેગેઝીનના તંત્રી સેમ્યુઅલ પેટ્રિક સ્મિથ યાદ કરતાં કહે છે કે આ આક્ષેપોથી સૌ ચોંકી ગયા હતા.

“અમેરિકામાં આ રીતે કામ ચાલતું નહોતું. બે ભાગ પડી ગયા. કેટલાક સરકારની સાથે હતા, જ્યારે તેટલા જ તેમની વિરોધમાં પણ થઈ ગયા હતા.”

પોતાની કરિયરમાં આવા ઘણા અવરોધોનો સરકારે સામનો કર્યો હતો.

તેઓ પોતાને “વિશ્વના સૌથી મહાન જાદુગર” કહેવડાવતા હતા અને તેની સામે ઘણાને વાંધો હતો.

તેમના કાર્યક્રમોની જોરદાર સફળતાના દાવા થતા હતા, તેની સામે પણ શંકા વ્યક્ત થયા કરતી.

તેમની પ્રસિદ્ધિના પ્રયાસો વણથંભ્યા રહેતા હતા. મૅજિક જર્નલો અને અખબારોમાં તેમના વિશે હંમેશા સારું સારું લખાતું રહેતું હતું.

આવી ગ્લેમર અને હાઇપ છતાં ઍંગ્લો-સૅક્શન લોકોનો એકાધિકાર ગણાતા જાદુના ક્ષેત્રમાં તેમને હજીય આઉટસાઇડર ગણવામાં આવતા હતા.


બંગાળી જાદુગર પર પોતાની રીત ચોરી લેવાનો આરોપ મૂક્યો

પી.સી. સરકારના જાદુના કાર્યક્રમમનું પૉસ્ટરImage copyrightJOHN ZUBRZYCKI’S COLLECTIONS

હૅલ્મટ ઍવોલ્ડ શ્રૅબર નામના જાદુગર કાલાનાગના નામે સ્ટેજ શો કરતા હતા અને તેઓ એક જમાનામાં એડોલ્ફ હિટલરના ફેવરિટ જાદુગર હતા.

વર્ષ 1955માં તેમણે આ બંગાળી જાદુગર પર પોતાની રીત ચોરી લેવાનો આરોપ મૂક્યો.

આ વખતે જોકે જાદુગરો સરકારના બચાવમાં આવ્યા અને આ જર્મન જાદુગરને કહ્યું કે તમે પૂર્વનું નામ પચાવી પાડ્યું છે.

તમે તમારી રાષ્ટ્રીયતા છુપાવવાની કોશિશ કરી છે અને સરકાર પર નકલનો આરોપ મૂકો છે, તે જાદુ હકીકતમાં તમે જ બીજા પાસેથી ચોરીને શીખ્યો છે કે નકલ કરી છે.

આજે પી. સી. સરકારને સૌથી વધુ યાદ કરવામાં આવે છે તેમના ઇન્દ્રજાલ નામના શોને કારણે.

ધ મૅજિક ઑફ ઇન્ડિયા એવા નામે આ શો નવેમ્બર 1955માં પેરિસમાં કરાયો હતો.

તેમના શોમાં મોટી સંખ્યામાં સહાયકો જોડાયા હતા.

વધુ વૅરાઇટી સાથેના જાદુના ખેલ હતા અને તે વખતે બીજા કોઈ પણ જાદુગર પાસે હોય તેવા કરતાં વધારે સરંજામ સાથે તેઓ પ્રવાસે નીકળ્યા હતા.

ભારતના જાદુગર પાસેથી શું અપેક્ષા હોઈ શકે તેની વ્યાખ્યા જ તેમણે બદલી નાખી હતી.

થિયેટરોની આગળ તાજમહેલ જેવો દેખાવ ઊભો કરવામાં આવતો હતો. સરકસના હાથીઓને ભાડે રાખીને ઊભા રખાતા હતા.

દર્શકો આવે ત્યારે સૂંઢ ઊંચી કરીને આ હાથીઓ તેમનું સ્વાગત કરતા હતા. તેમનો કાર્યક્રમ બહુ સ્લીક હતો.

પાછળના પરદા અત્યંત બારિકાઇથી રંગેલા રહેતા અને વારંવાર તેઓ પોતાનાં વસ્ત્રો બદલતા રહેતા હતા.

આકર્ષક લાઇટિંગથી ઝગમગાટ થઈ જતો હતો. કુશળ સ્ટાફ ફટાફટ ખેલ પાર પાડતો હતો.

જોકે, તેમના કરિયરમાં સૌથી સનસનીખેજ વળાંક તેઓ પેનોરમા કાર્યક્રમમાં હાજર થયા ત્યારબાદ આવ્યો હતો.

તે વખતે ટીવી હજી નવું નવું હતું, પરંતુ તેનો લાભ કઈ રીતે લઈ શકાય તે તેઓ સમજી શક્યા હતા.

બીજા કોઈ જાદુગરે ટીવીના માધ્યમનો આટલો સારો ઉપયોગ ક્યારેય કર્યો નથી.

સ્ટેજની પાછળ જીવલેણ હાર્ટ અટૅક આવ્યો

પી.સી. સરકાર

પોતાની આગવી છટાને કારણે સરકાર બીજા જાદુગરો સામે છવાઈ જતા હતા. તેમના સ્ટેજ અને તેમની રજૂઆતો ભવ્ય રહેતી હતી.

તેઓ ભારતીય જાદુને આજ સુધીમાં ક્યારેય નહોતું મળ્યું તેટલા ઊંચા સ્થાને લઈ ગયા હતા. પૂર્વની પશ્ચાદ્ભૂમિમાં તેઓ પશ્ચિમની મૅજિકની ટ્રીક એવી રીતે રજૂ કરતા હતા કે તેમના હરિફો મોં વકાસી જતાં હતાં.

ડિસેમ્બર 1970માં તેમને ડૉક્ટરોએ પ્રવાસ કરવાની મનાઈ કરી હતી, કેમ કે તેમની તબિયત સારી નહોતી.

આમ છતાં સરકાર ચાર મહિનાના થકવી દેવાના પ્રવાસ માટે જાપાન પહોંચ્યા હતા. 6 જાન્યુઆરી 1971ના રોજ હોક્કાઇડો ટાપુ પર આવેલા શિબેત્સુ શહેરમાં તેમનો ઇન્દ્રજાલ શો હતો.

તેઓ પોતાના ખેલ દેખાડીને સ્ટેજની પાછળ ગયા કે તેમને જબરદસ્ત અને જીવલેણ હાર્ટ અટૅક આવી ગયો હતો.

સરકારને લગભગ સૌએ ભાવભરી શ્રદ્ધાંજલિ મળી હતી.

જાદુગરી વિશેના ઇતિહાસકાર ડેવિડ પ્રાઇસે નોંધ્યું છે તે પ્રમાણે ભારતને જ્યારે પશ્ચિમના મોટા નામો સામે ઊભો રહી શકે તેવો માસ્ટર દેશી જાદુગર જોઈતો હતો અને તે વખતે જ પી. સી. સરકારનું આગમન થયું હતું.

તેમના કારણે “ભારતીય જાદુને આગવી ઓળખ મળી હતી અને દુનિયાભરના જાદુગરોએ તેમના પ્રદાનનો સ્વીકાર કરવો પડ્યો હતો.”

આભાર