ત્રણ તલાક માટે ત્રણ વર્ષની જેલ, બિનજામીનપાત્ર વોરન્ટ

0
68

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ત્રણ તલાક આપી પત્નીને નિધારાર તરછોડી દેનાર પતિઓને બોધપાઠ શિખવાડવા માટે આકરો કાયદો ઘડવાની તૈયારી શરૂ કરી છે. કાયદાનો મુસદ્દો તૈયાર કરી દેવાયો અને રાજ્યો પાસેથી અભિપ્રાય માગવામાં આવ્યા છે. આ કાયદા મુજબ એક સાથે ત્રણ તલાક એટલે કે તલાકે બિદ્દત  બિનજામીનપાત્ર ગુનો હશે. તેમાં દોષિત પતિને ત્રણ વર્ષની જેલ અને દંડની સજાની જોગવાઈ કરાઈ છે.

સુપ્રીમ કોર્ટે ગત 22 ઓગસ્ટે એક સાથે ત્રણ તલાકને ગેરબંધારણીય જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં ત્રણ તલાકની ઘટનાઓ સતત બની રહી છે. આ બાબતને ધ્યાનમાં લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંડળની સમિતિની રચના કરી હતી. સમિતિમાં ગૃહપ્રધાન રાજનાથસિંહ, વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ, નાણાપ્રધાન અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ, પી.પી. ચોધરી અને ડોકટર જિતેન્દ્રસિંહનો સમાવેશ કરાયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના ચુકાદા અગાઉ વર્તમાન વર્ષમાં ત્રણ તલાકની 177 ઘટનાઓ બની હતી અને ચુકાદા પછી આ અંગેની 67 ફરિયાદ નોંધાઈ હતી.

ત્રણ તલાક વિરોધી કાયદાની મહત્વની જોગવાઈઓ.

-મુસ્લિમ વુમન પ્રોટેકશન ઓફ રાઈટ્સ ઓન મેરેજ જમ્મુ-કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં લાગુ થશે.

-આ કાયદો માત્ર ત્રણ તલાક એટલે કે તલાકે બિદતના સંજોગોમાં જ લાગુ પડશે.

-જો કોઈ પતિ તેની પત્નીને એક સાથે ત્રણ તલાક આપી દે તો તે ગેરકાયદેસર ગણાશે

-લેખિત, બોલીને અથવા ઈલેક્ટ્રોનિક એમ કોઈ પણ સ્વરૂપની ત્રણ તલાક ગેરકાયદેસર હશે.

-પીડિત મહિલા મેજિસ્ટ્રેટની કોર્ટમાં ભરણપોષણ ભથ્થું અને સગીર બાળકોની કસ્ટડી માગી શકશે. મેજિસ્ટ્રેટ પરિસ્થિતિ મુજબ યોગ્ય આદેશ જારી કરશે.