ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે સોમનાથ મહાદેવની કરી પૂજા અર્ચના

0
124

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે અમિત શાહ આજે સવાર દેશના પહેલા જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના કરી માથુ ટેકીને પ્રચારની શરૂઆત કરી હતી. અમિત શાહ બે દિવસથી ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે. ગત રાત્રીએ તેમણે વેરાવળમાં ચૂંટણી પ્રચાર માટે જાહેર સભાને સંબોધી હતી.

ઉલ્લેખનીય છે કે કોડીનાર, વેરાવળ અને માંગરોળમાં અમિત શાહે સભા સંબોધી હતી. સભામાં તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની માફક ગુજરાતમાં પણ કોંગ્રેસનાં સુપડાં સાફ કરી ભાજપનો જંગી બહુમતીથી વિજય થશે. તેમણે રાહુલ ગાંધીને એવો પડકાર ફેંક્યો હતો કે, ભાજપ વિકાસનાં મુદ્દે ગુજરાતમાં અને દેશમાં ચૂંટણી લડી રહી છે, કોંગ્રેસ ક્યા મુદ્દા પર લડી રહી છે. તેનો જવાબ રાહુલ ગાંધી આપે. અમિત શાહે કોડીનારનાં ખાંડ ઉદ્યોગ સહિતની સંસ્થાઓ કોંગ્રેસનાં શાસનમાં પાયમાલ બની હોવાનાં આક્ષેપો પણ કર્યા હતા. ગીરગઢડા અને ઉના તાલુકાનાં 31 ગામોનાં આગેવાનો-લોકો ઉપસ્થિત રહ્યા હતા.અમિત શાહનું વેરાવળમાં યુવાનોએ બાઇક રેલી કાઢી સ્વાગત કર્યું હતું.