અમરેલી: 6 ઈંચ વરસાદથી બાબરામાં ફરી વળ્યું પાણી

0
81
Amreli
બાબરાના ચમારડી ગામમાં અનરાધાર વરસાદના પગલે પૂરની સ્થિતિ, નદીની જેમ વહેતું થયું પાણી
અમરેલી: અમરેલી જિલ્લાના ધરતીપુત્રો છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા મનમુકીને વરસી પડે તેની કાગડોળે રાહ જોઇને બેઠા હતા ત્યારે આજે સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને જિલ્લામા અડધાથી લઇ આઠ ઇંચ સુધીની મેઘમહેર ઉતરી આવી હતી જેને પગલે નદીઓમા ઘોડાપુર આવ્યા હતા. અમરેલી, બાબરા, સાવરકુંડલા, લાઠી, બગસરા, ધારી, વડીયા, ખાંભા સહિતના શહેરોમા સાર્વત્રિક મેઘરાજાની એન્ટ્રી થઇ હતી.
અમરેલીમા સવારથી જ આકાશમા કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. અહી સવારે સાડા દસેક વાગ્યાના સુમારે મેઘરાજાની પધરામણી થઇ હતી અને આખો દિવસ ધીમીધારે વરસાદ વરસતા અહી બે ઇંચ સુધી પાણી પડી ગયુ હતુ જેને પગલે માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા અને લોકોને ચહેરા પર ખુશી જોવા મળી હતી. તો બાબરામા ધોધમાર પાંચ ઇંચ વરસાદ પડી જતા બજારોમા પાણી પાણીની સ્થિતિ જોવા મળી હતી. જયારે બગસરામા પણ દિવસ દરમિયાન પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા જગતનો તાત રાજી રાજી થઇ ગયો હતો.
આ ઉપરાંત ધારીમા પણ આખો દિવસ ધીમીધારે વરસાદ વરસતો રહ્યો હતો અને અહી પણ એક ઇંચ વરસાદ પડી ગયો હતો. તો ખાંભામા પણ પોણો ઇંચ વરસાદ પડયો હતો. જયારે લાઠીમા પોણા ત્રણ ઇંચ વરસાદથી માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. જયારે સાવરકુંડલામા પણ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. વડીયામા માત્ર અડધો ઇંચ વરસાદ પડયો હતો. તો લીલીયામા પણ બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.