ચેરમેન તરીકે દિલીપ સંઘાણી નક્કી થતા વિઠ્ઠલભાઇના રીસામણા !

0
96
Chairman dilipsangai

ગુજકોમાસોલની ચૂંટણીથી સૌરાષ્ટ્ર ભાજપના બે સહકારી આગેવાનો વચ્ચે તિરાડ દેખાઇ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ જ ન લીધોઃ એક તબક્કે તો સંઘાણીને રોકવા કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચાર્યાની ચર્ચાઃ પાર્ટીએ નિર્ણય અડગ રાખતા આખરે સર્વાનુમતે વરણી

 રાજકોટ તા.૧૮ : ગુજરાત સ્ટેટ કો.ઓપ. માર્કેટીંગ ફેડરેશન ગુજકોમાસોલના સુકાનીઓની ગઇકાલે યોજાયેલ ચૂંટણી પુર્વે ભાજપમાં જબરો આંતરિક ખેલ ખેલાયોનો બહાર આવેલ છે. ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઇસ ચેરમેન તરીકે ગોવિંદભાઇ પરમાર સત્તાવાર રીતે બીનહરીફ ચૂંટાઇ આવ્યા છે. સંઘાણીને ચેરમેન બનતા રોકવા રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન વિઠ્ઠલભાઇ રાદડીયાએ ખુબ પ્રયાસ કરી લીધાનું અને એક તબક્કે તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચાર્યાનું જાણવા મળે છે. પાર્ટીએ સંઘાણીની પસંદગીનો નિર્ણય અડગ રાખતા ચેરમેન બનવાની રાદડિયાની ઇચ્છા પર પાણી ફરી વળેલ. પાર્ટીના આદેશ મુજબ તેમણે સંઘાણીને સ્વીકારેલ પરંતુ ચૂંટણી પ્રક્રિયા માટે બોર્ડ બેઠક શરૂ થતા તેઓ મીનીટસ બુકમાં સહી કરી તુર્ત સ્થળ છોડી જતા રહ્યા હતા. દિલ્હી ખાતે અન્ય બેઠકમાં જવાની ઉતાવળ હોવાથી તેઓ વહેલા જતા રહ્યાનું તેમણે લાગતા-વળગતાઓને સત્તાવાર કારણ આપેલ પરંતુ તેમના ચહેરાના હાવભાવ ઘણુ કહી જતા હતા તેમ સ્થળ પર હાજર કેટલાક લોકોનું કહેવુ છે.

   વિઠ્ઠલભાઇ પોતે ગુજકોમાસોલમાં ચેરમેન બનવા માટે પ્રબળ દાવેદાર હતા. પાર્ટીની ઇચ્છા સંઘાણી માટે હતી. બહુમતી ડિરેકટર પણ સંઘાણીને ઇચ્છતા હતા. રાદડિયા રાજકોટ જિલ્લામાંથી ગુજકોમાસોલમાં ડિરેકટર તરીકે ચૂંટાયા છે. જયારે સંઘાણી રાજય સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે ગુજકોમાસોલમાં ગયા છે. સંઘાણી સીધા ચૂંટાયેલા પ્રતિનિધિ ન હોવાથી ચેરમેન ન બની શકે તેવુ રાદડિયાનું કહેવુ હતુ તે મુદે તેમણે કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચાર્યાનું ચર્ચાય રહ્યુ છે. મધરાત સુધી જોરશોર હિલચાલ બાદ આખરે સંઘાણી માટે રાદડિયાની કથિત સહમતી બની હતી. સંઘાણીને ચેરમેન બનવામાં કોઇ અડચણ ન આવે તે માટે કાયદાના નિષ્ણાંતોને કામે લગાડવામાં આવ્યા હતા. રાદડિયાએ ચેરમેન બનવા માટે ફોર્મ જ ભર્યુ ન હોવાથી હવે સંઘાણી સામે તેમનો વાંધો કાયદાકીય રીતે ટકી શકે નહી તેવુ ભાજપના વર્તુળોનું માનવુ છે.

   સંઘાણી અને રાદડિયા બંને સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓ છે. સહકારી ક્ષેત્રે બંને મોટુ નામ છે. પુરતો સમય હોવા છતાં ચેરમેન પદ માટે છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલે અને છેલ્લે વિઠ્ઠલભાઇ સંઘાણી માટે સત્તાવાર રીતે સહમત થઇ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધા વગર જ જતા રહે તે બાબત ભાજપમાં અને સહકારી ક્ષેત્રમાં ચર્ચાસ્પદ બની છે. દેખીતી રીતે સૌ સારાવાના લાગતા હોવા છતાં ગઇકાલની ઘટનાને રાજકીય રીતે અવગણી શકાય તેમ નથી.