દારુ પીધા પછી ગાડી ચલાવી તો ખેર નથી : વાંચો પોલિસનો નવો પ્રયોગ

0
64

રેન્જ આઈજી જી.એસ. મલિક દ્વારા જાહેર કરવામાં આવેલ નવા આદેશ મુજબ દ. ગુજરાતમાં જો કોઈ પોલીસ જવાન દારુ પીને વાહન ચલાવતા વ્યક્તિને પકડશે તો તેમને અલગથી રુ. 100 રોકડ પુરસ્કાર તરીકે આપવામાં આવશે. મહત્વનું છે કે રેન્જ આઈજીનો આ આદેશ ન્યુયર પાર્ટીઓ શરુ થાય તેની પહેલા જ આવ્યો છે. મલિક દ્વારા સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસને મોકલવામાં આવેલ સર્ક્યુલરમાં આ પ્રમાણે આદેશ કરવામાં આવ્યો છે. દારુબંધીને લાગ કરવા જ નહીં પરંતુ રોડ પર અકસ્માતને પણ ટાળવા માટે પહેલીવાર રેન્જ આઈજી ઓફિસ દ્વારા આ પ્રમાણેનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 31 ડિસેમ્બર 2016માં વલસાડ પોલીસ દ્વારા એક જ રાતમાં લગભગ 325 જેટલા લોકોની દારુ પીવા વાહન ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જેમાના મોટાભાગના લોકો કેન્દ્રશાસિત પ્રદેશ દમણ જઈ દારુ પાર્ટીની મજા માણી ગુજરાત પરત ફર્યા હતા. પોલીસે રોડ એક્સિડેન્ટ રોકવા માટે હાઈવેઝ પર ચેકિંગ શરુ કરતા આ લોકો ઘરે પરત ફરતા પકડાયા હતા. રેન્જ આઈજી મલિકે કહ્યું કે, ‘અમે દારુબંધીને કડકપણે લાગુ કરવા માટે કટીબદ્ધ છીએ. માટે જ પોલીસ જવાનોને પ્રોત્સાહિત કરવા માટે પ્રત્યેક દારુડિયાની ધરપકડ પર રુ. 100નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. મોટાભાગના લોકો અહીં કાયદો કડક હોવાથી દારુ પીતા નથી પરંતુ આસપાસના વિસ્તારોમાં પીને પરત ફરે છે જેના કારણે એક્સિડન્ટનો ભય રહે છે.’ આ દરમિયાન વલસાડ પોલીસે દમણ તરફ આવતા જતા રસ્તા પર ચેકિંગ વધારી દીધું છે. તેમજ જિલ્લા પોલીસ 35 જેટલ બ્રેથએનેલાઇઝરનો ઉપયોગ કરી દારુ પીને વાહન ચલાવતા લોકોને પકડવા કામે લાગી ગઈ છે. વલસાડ પોલીસ સુપ્રીટેન્ડન્ટ સુનિલ જોશીએ કહ્યું કે, ‘ફક્ત એન્ટ્રી પોઇન્ટ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ.