ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી

0
55
forecast-for-the-weather-forecast-to-be-normal-this-year
forecast-for-the-weather-forecast-to-be-normal-this-year

– દેશમાં ૯૬થી ૧૦૪ ટકા વરસાદ થશે

– પૂર્વોત્તર તેમજ પૂર્વ વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાનું અનુમાન

– રાજસ્થાનમાં હળવા ઝાપટાં પણ પ્રચંડ ગરમી યથાવત્ : શ્રીગંગાનગરમાં ૪૭.૫ ડિગ્રી

દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે જો કે પૂર્વ તેમજ ઉત્તર પૂર્વના વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાનું હવામાન વિભાગે આગાહી કરી હતી.

હવામાન વિભાગે લાંબા ગાળાની આગાહીમાં ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન બીજી વાર કર્યું હતું અને જણાવ્યું હતું કે, લાંબા ગાળાની આગાહી મુજબ દેશમા જુલાઈ માસમાં ૧૦૧ ટકા અને ઓગસ્ટમાં ૯૪ ટકા વરસાદ થશે તેમાં ૯ ટકાનો વધારો ઘટાડો સંભવ છે. ૯૦થી ૯૬ ટકા વરસાદ એ સામાન્ય કરતા ઓછો અને ૯૬થી ૧૦૪ ટકા વરસાદ એ ‘સામાન્ય’ વરસાદ કહેવાય છે. ૯૦ ટકાથી ઓછો વરસાદ તે અછત કહેવાય છે.

દેશમાં આ વર્ષનું ચોમાસું ૯૬થી ૧૦૪ ટકા એટલે કે સામાન્ય રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આગામી ૪૮ કલાકમાં પૂર્વોત્તર તરફ ચોમાસુ આગળ વધવાના એંધાણ છે. જૂનની છઠ્ઠી બાદ મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદની સંભાવના છે. દરમિયાન ધરમશાલામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચતા બપોર બાદ શાળાઓ બંધ રાખવાનો આદેશ કરાયો હતો.

છેલ્લા પાંચ દિવસથી પ્રચંડ ગરમીમાં શેકાતા રાજસ્થાનમાં ગઈ રાત્રિએ વરસાદ થતાં તાપમાન ઘટયું છે. જયપુરમાં ૪.૨ મી.મી. વરસાદ થયો હતો. તેમ છતાં શ્રીગંગાનગરમાં ૪૭, બિકાનેરમાં ૪૬.૫, જેસલમેરમાં ૪૬.૨, ચુરૃમાં ૪૩.૯ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. હવામાન વિભાગે આવતા ૨૪ કલાકમાં વધુ ગરમી અને રેતીના તોફાનની આગાહી કરી હતી.

આંધ્ર પ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમી પડી હતી. સૌથી વધુ ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ક્રિશ્ના, વેસ્ટ ગોદાવરી, ગંતુર અને તેલ્લોર જિલ્લામાં પ્રચંડ ગરમી પડી હતી.
ઉત્તર પ્રદેશમાં હળવા ઝાપટા પડયા હતા. કૈસરગંજ, મનકાપુર, વસ્તી, લખીમપુર અને મહારાજગંજમાં વરસાદથી તાપમાન ઘટયું હતું. પરંતુ કેટલાક વિસ્તારોમાં પ્રચંડ ગરમી પડી હતી ચોરાઈમાં ૪૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજસ્થાનના કોટામાં હીટવેવથી પોલીસમેનનું મોત
(પી.ટી.આઇ.)    કોટા, તા. ૩૦
રાજસ્થાનના કોટામાં ૪૫ ડિગ્રી તાપમાને પ્રચંડ ગરમીથી લોકો ત્રાહિમામ થયા હતા. કોટાના ખેરાલી ગામે સદર પોલીસ સ્ટેશનમાં લક્ષ્મીચંદ સાવેવાલ નામના પોલીસ મેનનું હિટવેવના કારણે મોત થયાનું ડોક્ટરે જણાવ્યું હતું. તે રાત્રિ દરમિયાન મોટર સાયકલ પર ખેરાલી જવા નીકળ્યા હતા. રસ્તામાં એક ઝાડ નીચે ઝોકું ખાઈ આરામ કરવા રોકાયો હતો. સવારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરોએ તેનું મૃત્યુ ગરમીથી થયાનું જણાવ્યું હતું.