પાકિસ્તાનથી પરત ભારતમાં આવેલી મૂક-બધિર ગીતાનાં માતા-પિતા અંગે જાણકારી નહિ મળતાં આખરે તેના લગ્ન કરાવવાનું નક્કી થતાં આ માટે વિદેશ મંત્રાલય તરફથી થયેલા આયોજન મુજબ ગીતાના સ્વયંવર માટે ખેડૂતથી લઈને સોફટવેર એન્જિનિયર સુધીના યુવાનોએ રસ દાખવતાં અને તેમાંથી માત્ર ૧૪ યુવક પસંદ થતાં હવે આગામી દિવસોમાં ગીતા આ ૧૪ પૈકી એક યુવકને તેના જીવનસાથી તરીકે પસંદ કરશે.
વિદેશ મંત્રાલયના આદેશથી ગીતા અઢી વર્ષથી ઈન્દોરના મૂક બધિર સંગઠનમાં રહે છે. આ દરમિયાન ગીતાના પરિવારજનો અંગે કોઈ માહિતી ન મળતાં હવે તેના લગ્ન કરાવવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે. જેમાં ફેસબુક દ્વારા ગીતાનાં લગ્ન માટે સારા પાત્રની શોધ માટે પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં વિવિધ રાજ્યોમાંથી અત્યાર સુધીમાં લગભગ ૫૦ બાયોડેટા મળ્યા છે. જોકે આ જાહેરાતમાં વર પણ મૂક બધિર જ હોવાની શરત રાખવામાં આવતાં માત્ર ૩૦ બાયોડેટા પસંદ કરવામા આવ્યા હતા અને તેમાંથી હવે ૧૪ અરજી માન્ય રખાતાં ગીતા આ ૧૪ બાયોડેટાના આધારે જ તેના જીવનસાથીની પસંદગી કરશે.

સાંકેતિક ભાષાના નિષ્ણાત જ્ઞાનેન્દ્ર અને મોનિકા પુરોહિતની હાજરીમાં ગીતાને બાયોડેટા દર્શાવવામાં આવ્યા હતા. તેના આધારે જ ગીતા તેના માટે સારા પાત્રની શોધ કરી શકશે.જોકે આ જાહેરાત બાદ કેટલાક આધેડ અને બેકાર લોકોએ પણ બાયોડેટા મોકલ્યા હતા પણ તેમાંથી મોટાભાગની અરજી રદ કરાઈ છે. નવાઈની વાત એ છે કે ગીતાના સ્વયંવર માટે ખેડૂતથી લઈને સોફટવેર એન્જિનિયર સુધીના યુવાનોએ પણ રસ દાખવતા ગીતા માટે તેનો જીવનસાથી પસંદ કરવાની બાબતમાં ખૂબ જ જહેમત ઉઠાવવી પડે તેમ લાગે છે. બીજી તરફ ગીતાનાં માતા-પિતાની શોધ પણ ચાલુ છે. તેથી આગામી દિવસોમાં ગીતાનો સ્વયંવર રચાશે તેમાં કયા યુવકની ગીતા પસંદગી કરશે તેના પર દેશવાસીઓની મીટ મંડાયેલી છે.
અને ગીતાએ લગ્નોત્સુકોની બોલતી બંધ કરી દીધી

ગીતાએ તેની સાથે લગ્ન કરવાનાં શમણાં સાથે આવેલા ચાર યુવકોને સાંકેતિક ભાષામાં કેટલાક સવાલો કરી તેમની બોલતી બંધ કરી નાખી હતી. જેમાં ગીતાએ તમારું ઘર કયાં છે? કેટલું મોટું છે. ઘરમાં કોણ કોણ છે , તમે કેટલું કમાઓ છો? ઘરમાં રસોઈ કોણ બનાવે છે? કેટલું ભણેલા છો? જેવા વિવિધ સવાલો કરી યુવકોને મૂંઝવી નાખી તેમની બોલતી બંધ કરી નાખી હતી. અને આ યુવકોએ ગીતાને તેઓ તેને પસંદ છે કે નહીં તેમ પૂછતાં ગીતાએ વિચારીને જવાબ આપીશ તેમ જણાવ્યું હતું.