કેટલાક મહિનાઓ પહેલાં મને ખબર પડી કે હું ન્યૂરોએન્ડોક્રાઇન કૅન્સરથી ગ્રસ્ત છું. મેં પ્રથમ વખત આ શબ્દ સાંભળ્યો હતો.

તપાસ કરતા મને ખ્યાલ આવ્યો કે મારી આ બીમારી પર વધારે શોધ થઈ નથી, કેમ કે આ અજાણી શારીરિક અવસ્થાનું નામ છે અને તેનાં જ કારણે આ બીમારીના ઉપચારની અનિશ્ચિતતા વધારે છે.

અત્યારસુધીની સફરમાં ઝડપ અને ધીમી એમ બંને પ્રકારની ગતિથી ચાલી રહ્યો હતો. મારી સાથે મારી યોજનાઓ, આકાંક્ષાઓ, સ્વપ્ન અને મારું લક્ષ્ય હતું.

હું તેમાં વધારે ધ્યાન આપી રહ્યો હતો ત્યાં જ ટીસીએ મારી પીઠ થપથપાવી, ”તમારું સ્ટેશન આવી રહ્યું છે, મહેરબાની કરી ઊતરી જાવ.”

હું સમજી ના શક્યો, ”ના ના મારું સ્ટેશન હજુ નથી આવ્યું.”

જવાબ મળ્યો, ”આગામી કોઈ પણ સ્ટૉપ પર તમારે ઊતરવું પડશે. તમારો પડાવ આવી ગયો છે.”

ફોટો

અચાનક અનુભવ થાય છે કે તમે કોઈ ઢાંકણાની જેમ કોઈ અજ્ઞાત સાગરમાં, અણધારી લહેરો પર વહી રહ્યા છો… અને એ પણ કે લહેરોને કાબૂ કરવાની ગેરમાન્યતા મનમાં લઈને.

આવી ભયજનક સ્થિતિમાં મેં મારા પુત્રને કહ્યું, ”આજની આ પરિસ્થિતિમાં હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે… હું આવી માનસિક સ્થિતિ અને ભયની હાલતમાં જીવવા ઇચ્છતો નથી.”

”મારે કોઈ પણ કિંમતે મારા પગ જોઈએ, જેના દ્વારા હું ઊભો થઈને તટસ્થ રીતે જીવન જીવી શકું. હું ઊભો થવા માંગુ છું.”

એવી મારી ઇચ્છા હતી, મારો ઇરાદો હતો…

કેટલાક અઠવાડિયા બાદ હું એક હૉસ્પિટલમાં ભરતી થયો. ખૂબ જ પીડા થઈ રહી હતી. એ તો ખ્યાલ હતો કે પીડા થશે, પરંતુ આવી પીડા… હવે પીડાની તીવ્રતા સમજાય રહી છે.

કંઈ પણ કામ કરી રહ્યું નહોતું. ના કોઈ સાંત્વના, ના કોઈ આશ્વાસન. સંપૂર્ણ દુનિયા આ પીડાની પળમાં સમેટાઈ ગઈ હતી. પીડા ભગવાનથી પણ વધારે અને વિશાળ અનુભવાય છે.

ફોટો

હું જે હૉસ્પિટલમાં દાખલ છું, તેમાં બારી પણ છે અને બહારનો નજારો પણ દેખાય છે. કોમા વૉર્ડ એકદમ મારા ઉપર હતો.

રસ્તાની એક તરફ મારી હૉસ્પિટલ અને બીજી તરફ લૉર્ડ સ્ટેડિયમ છે… ત્યાં વિવિયન રિચર્ડસન હસતા હોય તેવું પોસ્ટર છે.

મારા બાળપણનાં સપનાંઓનું મક્કા, તે જોતાં જ પહેલી નજરમાં તો મને કંઈ અનુભવ ન થયો. જાણે કે એ દુનિયા મારી ક્યારેય હતી જ નહીં.

હું પીડામાં જકડાઈ ગયો છું… અને પછી એક દિવસ અનુભવ થયો… જેમ કે હું કોઈ એવી વસ્તુનો ભાગ નથી, જે નિશ્ચિત હોવાનો દાવો કરે છે.

ના હૉસ્પિટલ કે ના સ્ટેડિયમ. મારી અંદર જે શેષ હતું, તે વાસ્તવમાં કાયનાતની અપાર શક્તિ અને બુદ્ધિનો પ્રભાવ હતો. દિલે મને કહ્યું, માત્ર અનિશ્ચિતતા જ નિશ્ચિત છે.

ફોટો

આ અનુભવે મને સમર્પણ અને ભરોસા માટે તૈયાર કર્યો. હવે ભલે જે પણ પરિણામ આવે, તે ભલે જ્યાં પણ લઈ જાય, આજથી આઠ મહિના બાદ કે આજથી ચાર મહિના બાદ કે પછી બે વર્ષ બાદ.

ચિંતા ઓછી થઈ અને પછી અદ્રશ્ય થવા લાગી અને પછી મારા મગજમાં જીવવા-મરવાનો હિસાબ નીકળી ગયો.

પહેલી વખત મને ‘આઝાદી’નો અનુભવ થયો, સાચા અર્થમાં! એક ઉપલબ્ધિનો અનુભવ.

આ કાયનાતની રચનામાં મારો વિશ્વાસ જ પૂર્ણ સત્ય બની ગયો. ત્યારબાદ લાગ્યું કે તે વિશ્વાસ મારી એક એક કોશિકામાં ફેલાઈ ગયો છે.

ફોટો

સમય જ જણાવશે કે તે થોભે છે કે નહીં. હાલ, હું આવો જ અનુભવ કરી રહ્યો છું.

આ સફરમાં સમગ્ર દુનિયાના લોકો… હું જલદી સાજો થાઉં તેવી પ્રાર્થના કરે છે.

જે લોકોને હું ઓળખું છું અને જેને હું ઓળખતો નથી, તે બધા જ લોકો અલગ અલગ જગ્યાઓ પર અને અલગ અલગ ટાઇમ ઝોનથી મારા માટે પ્રાર્થના કરે છે.

મને લાગે છે કે એ બધા જ લોકોની પ્રાર્થના મળીને એક થઈ ગઈ છે, એક વિશાળ શક્તિ. તીવ્ર જીવનધારા બની મારા સ્પાઇનથી મારામાં પ્રવેશ કરી માથાથી પર કપાળથી અંકુરિત થઈ રહી છે.

અંકુરિત થઈને આ બધી જ કળી, ક્યારેક પાંદડાં, ક્યારેક ડાળીઓ અને ક્યારેક શાખાઓ બની જાય છે.

હું ખુશ થઈને તેને જોઉં છું. લોકોની પ્રાર્થનાથી ઉપજેલી દરેક ડાળી, દરેક પાંદડું, દરેક ફૂલ મને એક નવી દુનિયામાં લઈ જાય છે.

અનુભવ થાય છે કે જરૂર નથી કે લહેરો પર ઢાંકણાનું નિયંત્રણ હોય. જેમ કે, તમે કુદરત્તના હીંડોળે હીંચકી રહ્યા હોવ.

(અભિનેતા ઇરફાન ખાન બીમાર છે અને લંડનની એક હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ માર્મિક ચિઠ્ઠી તેમણે લંડનથી જ પોતાના મિત્ર અને પત્રકાર અજય બ્રહ્માત્મજને મોકલી છે.)