જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દિલ્હીમાં ભાજપના નેતાઓની એક બેઠક મળી હતી, જેમાં પીડીપી સાથેનું ગઠબંધન તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રદેશના નેતાઓના કહેવા પ્રમાણે, પ્રધાનોએ રાજીનામું આપી દીધું છે અને આ અંગે રાજ્યપાલને પણ જાણ કરવામાં આવી છે. કેન્દ્રીય નેતૃત્વના પગલાનું અમે સ્વાગત કરીએ છીએ.

ભાજપે સમર્થન પરત ખેંચી લીધા બાદ પીડીપીનાં નેતા મહેબૂબા મુફ્તીએ પણ રાજીનામું આપી દીધું છે.

સંગઠનમાંથી સમર્થન પરત ખેંચતા પહેલાં અમિતશાહની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી કવિન્દર ગુપ્તાને ત્યાં ભાજપની બેઠક મળી હતી. જેમાં ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.


મહેબૂબા મુફ્તીએ ગઠબંધન તૂટતા શું કહ્યું?

મહેબુબા મુફ્તીImage copyrightGETTY IMAGES

ભાજપ બાદ પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીએ પણ પત્રકાર પરિષદ કરી હતી.

મહેબુબા મુફ્તીએ પત્રકાર પરિષદમાં જ જાહેરાત કરી કે તેમણે રાજ્યપાલને રાજીનામું મોકલી દીધું છે.

તેમણે કહ્યું કે હવે તેઓ કોઈ ગઠબંધન કરીને સત્તામાં રહેવા માગતા નથી.

મહેબૂબા મુફ્તીએ કહ્યું, “અમારે 370ની કલમને બચાવવાની હતી, જેનું અમે અમારા કાર્યકાળ દરમિયાન રક્ષણ કર્યું છે.”

ભાજપ પર નિશાન સાધતાં તેમણે કહ્યું, “જમ્મુ-કાશ્મીરમાં બળપ્રયોગની નીતિ નહીં ચાલે. કાશ્મીર કોઈ દુશ્મનોનો પ્રદેશ નથી.”

“પીડીપીના કાર્યકર્તાઓને ખૂબ મુશ્કેલી સહન કરવી પડી તેમ છતાં તેઓ અમારી સાથે ઊભા રહ્યા.”

પોતાની સરકારના કામકાજને ગણાવતાં તેમણે કહ્યું, “અમે સીઝફાયર કરાવ્યો, અમે 11 હજાર યુવાનો સામેના કેસ પરત લેવડાવ્યા, ઉપરાંત અમે 370 કલમનું રક્ષણ કર્યું. આ ગઠબંધન ભાજપે તોડ્યું છે.”


શા માટે ભાજપે છેડો ફાડ્યો?

મોદીની તસવીરImage copyrightGETTY IMAGES

જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રભારી રામ માધવે કહ્યું હતું, “પીડીપી સાથે આગળ વધવું મુશ્કેલ બની ગયું હતું.”

“ગઠબંધન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પ્રદેશમાં શાંતિ અને વિકાસનો હતો.”

“જમ્મુ-કાશ્મીરના ત્રણેય ભાગમાં (જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ) વિકાસ કરવાનું તેમનું લક્ષ્ય હતું.”

“જેમાં ભારે પ્રમાણમાં કાશ્મીરમાં ઘાટીમાં આતંકવાદ વધ્યો છે અને કટ્ટરવાદ વકર્યો છે.”

માધવે ઉમેર્યું હતું કે રમઝાન મહિનામાં અમે શાંતિ સ્થાપિત કરવા માટે અમે પ્રયત્નો કર્યા. રમઝાન મહિનામાં સંઘર્ષ વિરામ લાગુ કરવામાં આવ્યો, પરંતુ તેમાં શાંતિ સ્થપાઈ નહીં અને પરિસ્થિતિ બગડતી ગઈ.

મહેબૂબા મુફ્તીની તસવીરImage copyrightGETTY IMAGES

મહેબૂબા મુફ્તી પરિસ્થિતિને સંભાળી શક્યાં નહીં. કાશ્મીરમાં જે કામ કરવા ઇચ્છતાં હતાં તે ના થઈ શક્યાં.

સ્થિતિ પર કાબુ મેળવવા માટે રાજ્યપાલનું શાસન લાવવામાં આવે અને સ્થિતિને સુધારવા માટે પ્રયાસ કરવામાં આવે.

રામ માધવે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં મૂળભૂત હકો જ ખતરામાં છે.

પત્રકાર શુજાત બુખારીની શ્રીનગરમાં ધોળા દિવસે હત્યા થાય અને તેમના હત્યારાને પકડવામાં સમય જતો રહે, તે ચિંતાજનક છે.

જે પરિસ્થિતિ બની રહી છે તેમાં પ્રેસ ફ્રિડમ અને ફ્રિડમ ઑફ સ્પીચ ખતરામાં આવી ગયાં છે.

ભાજપે વર્તમાન સમયમાં રાજ્યપાલ શાસન લાદવાની માગ કરી છે.


ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ

ભાજપના કાર્યકરોની તસવીરImage copyrightEPA

ભાગલાવાદી નેતાઓએ બુધવારે પૂર્ણ બંધનું એલાન આપ્યું છે. પત્રકાર શુજાત બુખારીની હત્યાના વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આ પહેલા સોમવારે રમઝાન પૂર્ણ થયા બાદ સિક્યુરિટી એજન્સીઝે આતંકવાદીઓ સામે આક્રમ કાર્યવાહી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય જમ્મુ, લદ્દાખ અને કાશ્મીર એમ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે.

રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ બાદ જમ્મુમાં ભાજપને (25), કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (28) ને તથા નેશનલ કોન્ફરન્સને (15) કાશ્મીર અને લદ્દાખમાં સફળતા મળી હતી.

જ્યારે 12 બેઠકો સાથે કોંગ્રેસ ચોથા ક્રમે રહી હતી.

ત્રિશંકૂ વિધાનસભામાં ભાજપ અને પીડીપીના ગઠબંધન બાદ સત્તા મુદ્દે ગૂંચ ઉકેલાઈ હતી.