નીતિનભાઈની મોદી અને શાહ સામે બગાવત, કોને પડશે ભારે ? જુઓ

0
67

મોદી – શાહની આ વાત જાણતા હોવા છતાં નીતિન પટેલે જોખમ લીધુઃ કેશુભાઇ પટેલથી લઇ સુરેશ મહેતા હોય કે પછી સંજય જોષી કે પછી ગોરધન ઝડફિયા, પોતાને નડનારા કે પછી સામે થનારા નેતાઓને મોદીએ માફ નથી કર્યા

૨૦૦૧માં સીએમની ગાદી પર બેઠેલા નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ સુધી કોઈ મોટા પડકાર વગર ગુજરાતમાં રાજ કર્યું, જેનું એક કારણ એ પણ હતું કે, પોતાના ૧૩ વર્ષના સત્તાકાળમાં મોદીએ વિરોધીઓને ઉગતા જ ડામી દીધા, અને જેમણે માથાં ઉંચકયા તેમને કદ પ્રમાણે વેતરી દીધા. અત્યાર સુધી ભાજપમાં ટકી રહેવા કે હોદ્દો ચાલુ રાખવા મોદીની જ ગુડબુકમાં અકિલા રહેવું પડતું હતું, પરંતુ હવે મોદી સાથે-સાથે અમિત શાહના લિસ્ટમાં ચમકવું પણ જરુરી છે. ભાજપના કાર્યકર્તાઓથી લઈ નેતાઓ સુધીના તમામ લોકો જાણે છે કે, મોદી કે અમિત શાહ સામે બગાવત તો શું, તેની કલ્પના અકીલા પણ કરવી એટલે સમજી લેવું કે તમારી કરિયર ખતમ. સ્વાભાવિક છે કે, મોદી અને અમિત શાહના આ સ્વભાવથી નીતિન પટેલ જેવા જમાનો જોઈ ચૂકેલા પીઢ નેતા અજાણ ન જ હોય. તો હવે સવાલ એ છે કે, મોદી અને શાહનો આ સ્વભાવ સારી રીતે જાણતા નીતિન પટેલે આખરે બગાવત કરવાના અણસાર કેમ આપ્યા? કેશુભાઈ પટેલથી લઈ સુરેશ મહેતા હોય કે પછી સંજય જોશી કે પછી ગોરધન ઝડફિયા. પોતાને નડનારા કે પછી સામે થનારા નેતાઓને મોદીએ માફ નથી કર્યા. કેશુભાઈ ભલે હાલ નિવૃત્ત્। થઈ ગયા હોય, પરંતુ ગોરધન ઝડફિયા તો વર્ષો સુધી મોદીના વિરોધી રહ્યા બાદ ફરી ભાજપમાં આવ્યા, તેમને એન્ટ્રી પણ મળી ગઈ, પરંતુ આ ચૂંટણીમાં તેમને ટિકિટ ન અપાઈ. એવું જ હરિન પાઠક સાથે પણ થયું. વર્ષોથી સંસદમાં અમદાવાદ પૂર્વ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા પાઠકને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે ટિકિટ જ નહોતી અપાઈ. કારણકે, તેમની છાપ અડવાણી કેમ્પના માણસ તરીકેની હતી. જેના કારણે ટિકિટ લેવા છેલ્લી ઘડી સુધી ધમપછાડા કરવા છતાંય પાઠકને પક્ષે ટિકિટ આપવાની ધરાર ના પાડી દીધી હતી. ગુજરાતના ગૃહ મંત્રી રહી ચૂકેલા હરેન પંડ્યાને પણ મોદીએ પોતાના પહેલા મંત્રીમંડળમાંથી પડતા મૂકયા ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. હવે મોદી ગુજરાતના સીએમમાંથી પ્રમોશન મેળવી દેશના પીએમ બની ગયા છે. અને તેમની ગેરહાજરીમાં ગુજરાતે માત્ર સાડા ત્રણ વર્ષમાં બે સીએમ જોઈ લીધા. રૂપાણીએ સીએમ તરીકે બીજી વાર શપથ લીધા છે, પરંતુ નવી સરકાર બનતાની સાથે જ વિવાદના વમળમાં ફસાઈ છે, અને વર્ષો બાદ પક્ષમાં ફરી યાદવાસ્થળીનું નિર્માણ થયું છે. આનંદીબેન પટેલને પાટીદાર આંદોલનનું કારણ આગળ કરાઈ સત્ત્।ા છોડવા ફરજ પડાઈ, અને નીતિન પટેલને છેક સુધી અંધારામાં રાખી છેલ્લી ઘડીએ વિજય રૂપાણીનું સીએમ તરીકે નામ જાહેર કરી દેવાયું, ત્યારે નીતિન પટેલ પોતે પણ સમસમી ગયા હતા. ખુદ આનંદીબેને પોતાનું નામ આગળ કરી વિજય રુપાણી સીએમ નહીં બને તેની ગેરંટી લીધી હોવા છતાં પોતાનું પત્ત્।ું કઈ રીતે કપાયું તે નીતિન પટેલ સમજી જ નહોતા શકયા. પહેલી વાર ચૂંટણી લડીને મંત્રી બનેલા અને મંત્રીમાંથી સીધા મુખ્યમંત્રી ગયેલા વિજય રુપાણીના નામની જાહેરાતથી ઘણાને આશ્ચર્ય સાથે આંચકો પણ લાગ્યો હતો. પક્ષમાં છૂપી નારાજગી ભલે શરુ થઈ હતી, પરંતુ કોઈએ ખૂલીને બળવો નહોતો કર્યો. કારણકે, વિધાનસભા ચૂંટણી નજીક હતી. નીતિન પટેલ પણ સમસમીને બેસી રહ્યા હતા. આ વખતે અનેક પડકારો વચ્ચે પક્ષે ૯૯ બેઠક જીતી સરકાર બનાવી લીધી, અને પક્ષના કેટલાક નેતાઓની ધારણા વિરુદ્ઘ નીતિન પટેલ પાટીદાર આંદોલનની આંધીમાં પણ મહેસાણા બેઠક જીતી ગયા. હવે આ સંજોગોમાં નીતિન પટેલને ડેપ્યુટી સીએમ બનાવવા સિવાય કોઈ છૂટકો નહોતો. જોકે, માત્ર નામના ડેપ્યુટી સીએમ બનાવી નીતિન પટેલ પાસેથી મહત્વના ખાતાં લઈ લેવાયા. પક્ષમાં થઈ રહેલી પોતાની અવગણનાથી નીતિન પટેલ એટલા નારાજ છે કે હવે તેમણે રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી દીધી છે. નીતિન પટેલ અંગે હાલ જે પણ અહેવાલો આવી રહ્યા છે તેમાં તેમણે પોતે તો હજુ સુધી ફોડ પાડીને કશુંય કહ્યું જ નથી, પરંતુ જે કંઈ વાતો ચાલી રહી છે તેનું જાહેરમાં આવીને ખંડન પણ નથી કર્યું. જો માંગો પૂરી ન થાય તો નીતિન પટેલ રાજીનામું આપશે તેવી જોરદાર અટકળો છે, પરંતુ પક્ષના આ જુના જોગી ભાજપમાં રહેશે કે નહીં તે અંગે હજુ કોઈ નક્કર માહિતી નથી મળી. પોતાના વિરોધીઓને અને હરીફોને કદ પ્રમાણે વેતરવામાં માહેર અમિત શાહ અને નરેન્દ્ર મોદી સામે બગાવત કરવાનો નીતિન પટેલે સ્પષ્ટ સંકેત આપી દીધો છે, ત્યારે જો હવે આવનારા દિવસોમાં આખોય મામલો શાંત પણ થઈ જાય અને ઘીના ઠામમાં ઘી પડી પણ જાય તોય પોતાની સામે માથું ઉંચકનારા નીતિન પટેલ સાથે હવે મોદી-શાહની જોડી શું વ્યવહાર કરે છે તે જોવું રહ્યું.