ભાજપનો પ્રયોગ : નીતિનભાઈનું કદ વેતરી પાટીદારોનું પાણી માપ્યું ?

0
41

ગુજરાતમાં પાતળી બહુમતી સાથે રચાયેલી રૂપાણી સરકારમાં નાણા વિભાગ મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલલે શરૂ કરેલાં નારાજગીના નાટકનો અંત આવ્યો છે. પરંતુ આ નાટકના માધ્યમથી ભાજપે ગુજરાતના પાટીદારોનું પાણી માપી લીધું છે. કેમ કે, નીતિન પટેલની નારાજગીના એપિસોડ વખતે ભાજપ સમર્થિત ધારાસભ્યો, આગેવાનો અને સંસ્થાઓ, જે નીતિન પટેલના ટેકામાં હતી તે તમામનું માન રાખીને ભાજપે નીતિન પટેલને નાણા વિભાગ પાછું આપી પાટીદારોને એક મેસેજ આપી દીધો કે, ભાજપ હજુ પણ પાટીદારોની સાથે છે અને પાટીદારોના આગેવાનોનું માન સન્માન જાળવી રાખે છે.

બે દિવસ ચાલ્યો નીતિન પટેલનો એપિસોડ

રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને નાણા અને શહેરીવિકાસ વિભાગ ન આપતાં તેઓ નારાજ થયા હતા અને ચાર્જ સંભાળવાનો ઇન્કાર કરીને ભાજપના હાઇકમાન્ડ સુધી નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી બાજુ નીતિન પટેલને નાણા વિભાગ ન આપીને પાટીદાર નેતાને અન્યાય કર્યો હોવાનો મુદ્દો ઉપાડી પાટીદાર સમર્થિત આગેવાનો, વિવિધ પાટીદાર ધારાસભ્યો અને ભાજપ સામે આંદોલન કરી રહેલી SPG અને પાસ સંસ્થાઓ આગળ આવી હતી. બે દિવસ સુધી ચાલેલા નીતિન પટેલના અન્યાયના એપિસોડને અંતે ભાજપે નાણા વિભાગ પરત આપ્યો હતો.

ભાજપે શું સાબિત કર્યું?

પરંતુ આ તમામ એપિસોડ પાછળ ભાજપની એવી ચાણક્યનીતિ હતી કે, છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજમાં એવી એક છાપ ઊભી થઇ હતી કે, ભાજપ પાટીદારોના વિરુદ્ધમાં છે અને પાટીદારોને અન્યાય કરી રહી છે. પરંતુ આ તમામ એપિસોડના અંતે ભાજપે નીતિન પટેલને નાણા વિભાગ આપી પાટીદાર સમાજમાં એવી છાપ ઊભી કરી કે ભાજપ હજુ પણ પાટીદારોની સાથે જ છે અને આ તમામ નાટકમાં પાટીદારોને પોતાની જીતના અહેસાસની સાથે ભાજપ હાઇકમાન્ડ પણ પાટીદારોના સમર્થનમાં ઊભું રહેશે તેવો એક અહેસાસ બેસાડવાની કોશિશ કરી છે.