વેંકૈયા નાયડુ એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યાં છે. આજે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના તથા એનડીએના અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવી. આ અગાઉ તેઓ જે મંત્રાલયનો કાર્યભાર સંભાળતા હતાં તેની અન્ય મંત્રીઓને વધારાના કાર્યભાર તરીકે ફાળવણી કરી દેવાઈ છે. ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીને સૂચના અને પ્રસારણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ગત વર્ષ જ્યારે તેમની પાસેથી માનવ સંસાધન મંત્રાલય પાછુ લઈ લેવાયું અને ટેક્સટાઈલ મંત્રી બનાવાયા તેને ઈરાનીના ‘ડિમોશન’ તરીકે જોવામાં આવ્યું હતું. પરંતુ હવે જ્યારે તેમને આઈબી મંત્રાલયનો વધારાનો ભાર અપાયો તો તેને ‘પ્રમોશન’ તરીકે જોવામાં આવી રહ્યુંછે. જો કે આ ફેરફાર સ્થાયી છે કે આગામી મંત્રીમંડળ ફેરબદલમાં બદલાઈ શકે છે તે હજુ સ્પષ્ટ નથી.


પીએમઓએ આજે સવારે ટ્વિટ કરીને જણાવ્યું કે એમ વેંકૈયા નાયડુએ આજે મંત્રીપદની જવાબદારીઓથી રાજીનામુ આપી દીધુ છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સ્મૃતિ ઈરાનીને સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગત વર્ષે જુલાઈમાં પીએમ મોદીએ કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો હતો જેમાં સ્મૃતિ ઈરાની પાસેથી એચઆરડી મંત્રાલય છીનવી લીધુ હતું. તે વખતે એવું કહેવાઈ રહ્યું હતું કે મોદી સ્મૃતિના બે વર્ષના કામકાજથી સંતુષ્ટ ન હતાં. રોહિત વેમુલા અને જેએનયુ સહિત દેશભરની અનેક યુનિવિર્સિટીઓમાં થયેલા વિવાદને લઈને તેમની છબી ઉપર ખરાબ અસર પડી હતી. તેમના કામ કરવાની પદ્ધતિને લઈને પણ અનેકવાર ફરિયાદો સામે આવી હતી.


હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી, જેએનયુમાં નારાબાજી વિવાદ હોય કે પછી નોન નેટ ફેલોશિપ વિવાદ, સ્મૃતિ દરેક વખતે વિવાદોમાં રહ્યાં. આવા સંજોગોમાં પીએમ મોદીએ તેમની પાસેથી મંત્રાલયનો ભાર લઈને પ્રકાશ જાવડેકરને સોંપ્યો હતો. જ્યારે સ્મૃતિને ‘લો પ્રોફાઈલ’ એવા ટેક્સટાઈલ મંત્રાલયની સોંપણી થઈ. ત્યારથી સ્મૃતિ સમાચારોમાં ઓછા જોવા મળતા હતાં. પરંતુ હવે જ્યારે વેંકૈયા નાયડુએ રાજીનામુ આપ્યું ત્યારે તેમને આઈબી મંત્રાલય સોંપાયું છે જે ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. નાયડુએ ઉમેદવારી નોધાવ્યાં બાદ આજે સ્મૃતિ ઈરાની તેમને મળ્યાં હતાં.