Video : જાધવના માતા-પત્નીને પાકે.વિધવાની જેમ રજૂ કર્યાં- સુષ્મા સ્વરાજ

0
39
Sushma Swaraj
Sushma Swaraj

નવી દિલ્હીઃ

 કુલભૂષણ જાધવની માતા અવંતિકા અને પત્ની ચેતના સાથે પાકિસ્તાનમાં થયેલી અપમાનજનક વતર્ણૂંક અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગુરૂવારે કડક શબ્દોમાં આપત્તિ વ્યક્ત કરી હતી. રાજ્યસભા અને લોકસભામાં પોતાની સ્પીચમાં સુષ્માએ પાકિસ્તાનના દરેક જૂઠાણાંઓની પોલ ખોલી હતી. પોતાની ઈમોશ્નલ સ્પીચમાં સુષ્માએ કહ્યું કે સુહાગણ માતા-પત્નીને વિધવાઓની જેમ એક પુત્ર-પતિ સામે રજૂ કરવામાં આવ્યાં તેથી મોટું અપમાન શું હોય શકે? ગત સોમવારે જાધવની માતા અને પત્ની સાથે 47 મિનિટ મુલાકાત થઈ હતી. પરંતુ આ દરમિયાન પાકિસ્તાનના અધિકારીઓ અને પાકિસ્તાન મીડિયાએ બંને મહિલાઓ સાથે ગેરવતર્ણૂંક કરી હતી.

સુષ્મા આ રીતે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું….

1) પાકિસ્તાને વાયદો તોડ્યો, આ મુલાકાતને હથિયાર બનાવ્યું

– સુષ્મા સ્વરાજે કહ્યું કે, “22 માસ બાદ એક માતાની પોતાના પુત્ર સાથે અને પત્નીની પતિ સાથે થનારી મુલાકાતને પાકિસ્તાને પોતાના પ્રોપગેંડાના હથિયાર રૂપે ઉપયોગ કર્યો. અમારી વચ્ચે સ્પષ્ટ સમજૂતી હતી કે પાકિસ્તાન મીડિયાને જાધવની માતા-પત્નીની નજીક આવવાની મંજૂરી આપવામાં નહીં આવે.
– સુષ્મા સ્વરાજે કહ્યું કે, “ગાડીને જાણી જોઈને રોકવામાં આવી હતી કે જેથી મીડિયા તેમને પરેશાન કરી શકે. જાધવની પત્નીના જૂતા ઉતારી દીધીં, માગ્યાં તેમ છતાં પરત ન આપ્યાં.”
– “આ મુલાકાતથી ઊભી થયેલી આપત્તિઓને અમે પાકિસ્તાનને જણાવી દીધી છે. પાકિસ્તાની પ્રેસને માત્ર જાધવના પરિવારની નજીક ન આવવા દીધાં પરંતુ ખોટાં અને વાહિયાત સવાલો પણ કરવાની છૂટ આપી. તેમના પર ખોટાં આરોપો લગાવવામાં આવ્યાં. તેઓને પરેશાન કરવામાં પણ કોઈ કસર ન છોડી.”

2) સુરક્ષા નામે અપમાનિત કર્યાં

– સુષ્માએ કહ્યું કે, “બીજું સુરક્ષાના નામે પરિવારના કપડાં સુધી બદલાવ્યાં. જાધવના માતા માત્ર સાડી જ પહેરે છે પરંતુ તેમને સાડીની જગ્યાએ સલવાર-કુર્તા પહેરવા માટે લાચાર કર્યાં. માત્ર પત્ની જ નહીં તેમની માતાના પણ મંગલસૂત્ર અને બંગડીઓ ઉતરાવી દીધી.”

3) માતાના ગળામાં ડુમો ભરાઈ ગયો અને અરજી કરી પરંતુ પાકિસ્તાને વાત ન માની

– સુષ્મા સ્વરાજે વધુમાં કહ્યું કે, “ગૃહમાં મારાથી ખોટું નિવેદન ન થઈ જાય તે માટે મેં આજે સવારે જ કુલભૂષણની માતા સાથે ફરી વાત કરી આ અંગે પૂછ્યું, ત્યારે જાધવની માતાએ કહ્યું કે જે સમયે મંગલસૂત્ર ઉતારી રહી હતી તો તેને અરજી કરી કે આ સુહાગની નિશાની છે, તેને ન ઉતારવામાં આવે. પરંતુ અધિકારીઓએ કહ્યું કે તેઓ માત્ર ઓર્ડર ફોલો કરી રહ્યાં છે.”

4) પાકિસ્તાને અપમાનિત કરવાની હદ પાર કરી હતી

– વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, ” જાધવની માતાએ વધુ જણાવ્યું હતું કે કુલભૂષણે તેની માતાને બિંદી અને મંગલસૂત્ર વગર પૂછ્યું હતું કે બાબા સારા તો છે ને? બિંદી અને મંગલસૂત્ર વગર તેને કોઈ અશુભ ઘટનાની શંકા ગઈ હતી. બંને સુહાગણને પતિ-પુત્ર સામે વિધવાની જેમ રજૂ કરવામાં આવ્યાં, અપમાનની આથી વધુ સીમા ન હોય શકે.”
– ” તેઓને મરાઠીમાં પણ ન બોલવા દીધાં. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા સતત તેમને રોકવામાં આવ્યાં. ઈન્ટરકોમ બંધ કરી દીધાં કે જેથી તેઓ વધુ વાતચીત ન કરી શકે.”

5) જૂતામાં કંઈક હતું તો બે-બે સિક્યોરિટી ચેક સમયે કેમ કંઈ ન મળ્યું?

– સુષ્માએ પાકિસ્તાનના તે જૂઠાણાંની પણ પોલી ખોલી કે જેમાં પાકિસ્તાને આશંકા વ્યક્ત કરી હતી કે જાધવની પત્નીના જૂતામાં મેટાલિક ચીપ છે.
– સુષ્માએ કહ્યું કે “અમને લાગે છે કે પાકિસ્તાનના લોકો જૂતા મુદ્દે કોઈ શરારત કરવાના છે. અમારી આશંકા સાચી સાબિત થઈ રહી છે.
– ક્યારેક કહે છે કે જૂતામાં કેમેરો હતો, ક્યારેક કહે છે કે ચીપ હતી. આ જૂતાને પહેરીને જ જાધવની પત્ની એરઈન્ડિયાથી દુબઈ અને ત્યાંથી એમિરેટ્સની ફ્લાઈટથી ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. બે-બે વખત સિક્યોરિટી ચેકિંગ થયું હતું. કોઈને રિકોર્ડર અને ચીપ મળી ન હતી. ચીપ હતી તો તે સમયે જ દેખાડવી હતી ને, હવે શરારત કરી રહ્યાં છે.”

‘જાધવને પૂરી રાહત અપાવીશું’

– વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં વધુમાં કહ્યું કે, “આપણે કુલભૂષણના મૃત્યુદંડને રોકવામાં સફળ રહ્યાં. આ મૃત્યુદંડ પાકિસ્તાનની સૈન્ય અદાલતે ખોટી રીતે ચલાવવામાં આવેલા કેસ મામલે સંભળાવી હતી. આ સજા હાલ પૂરતી ટળી ગઈ છે. હવે અમે વધુ મજબૂત તર્કના આધારે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની મદદથી જાધવને સ્થાયી રાહત આપવાના પ્રયાસો કરી રહ્યાં છીએ.”

તણાવ અને દબાણમાં હતા જાધવ – સુષ્મા

– “જાધવના માતા અને પત્નીએ જણાવ્યું કે કુલભૂષણ તણાવ અને દબાણમાં હતા. જાધવને શિખવીને-સમજાવીને મોકલ્યાં હતા, તેથી તેઓ તેટલું જ બોલતા હતા. તેમની બોલચાલ અને હાવભાવથી ખબર પડતી હતી કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ નથી. પાકિસ્તાન આ મુલાકાતને માનવતાવાદી પ્રયાસ તરીકે રજૂ કરી રહ્યાં છે. પરંતુ આ મીટિંગથી માણસાઈ ગાયબ હતી. આ મીટિંગમાં જાધવના પરિવારનું અપમાન જ થયું છે.”

વિપક્ષે પણ આપ્યો સરકારને સાથ

– કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, “હું મારી પાર્ટી તરફથી સરકારના નિવેદનને એસોસિએટ કરવા ઈચ્છું છું. પાકિસ્તાનની લીડરશીપ અને તેમની સેનાને ભારત સારી રીતે ઓળખે છે, અહીંના લોકો પણ જાણે છે. તેઓને લોકશાહીમાં કોઈ જ વિશ્વાસ નથી. તેઓને મર્યાદામાં વિશ્વાસ નથી.”
– આઝાદે વધુમાં કહ્યું કે, “જાધવની પત્નીનું મંગલસૂત્ર, બિંદી કઢાવી, હું એમ સમજું છું કે આવું જાધવની ફેમિલિ સાથે નહીં પરંતુ ભારતના 130 કરોડ લોકોની માતા-બહેન સાથેનું અપમાન છે. જ્યારે દેશની આન-બાન-આબરૂની વાત હોય છે તો કોઈ બીજો દેશ આપણી માતા-બહેનોનું અપમાન કરે તો તે દેશ સાંખી નહીં લે.”

પાકિસ્તાને કુલભૂષણના પરિવારનું કર્યું હતું અપમાન

25 ડિસેમ્બરે જાધવના માતા અવંતિકા અને પત્ની ચેતનાએ પાકિસ્તાન વિદેશ મંત્રાલયમાં કુલભૂષણ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જાધવ અને માતા-પત્ની વચ્ચે કાચ દીવાલ લગાવવામાં આવી હતી. મુલાકાત પહેલાં પાકિસ્તાને માતા અને પત્નીનું અપમાન કરતાં ચાંદલો, મંગળસૂત્ર અને કપડાં બદલાવવાની ફરજ પડી હતી. તેમજ જૂતા પણ ઉતરાવ્યાં હતા. તો કુલભૂષણની પત્નીના જૂતા તો હજુ સુધી પરત નથી કર્યા અને જાસૂસીની ખોટી આશંકા કરી પાકિસ્તાને તેમના જૂતાને તપાસ માટે ફોરેન્સિક લેબ મોકલ્યાં છે.

: Video :