શું તમને રાત્રે ઉંઘ નથી આવતી ? કે પછી ઉંઘ આવતા વાર લાગે છે ? તો ચાલો જાણીએ ઘસઘસાટ ઉંઘ આવી જાય તેવી વિવિધ વાતો

0
45

શું રાત્રે જાગીને તમે તારા ગણો છો ? આજકાલ લાખો લોકોને ઉંઘ નહીં આવવાની સમસ્યા છે. લોકો હવે પહેલાંની જેમ 8 કલાકની પુરી ઉંઘ પણ નથી લઈ શકતા. આ સમસ્યાને તમે સ્લિપિંગ ડિસઓર્ડર્સ પણ કહી શકો. તમને ઉંઘની આ સમસ્યાઓ અનેક બિમારીઓ તરફ દોરી જાય છે. તે તમને બિમાર પાડી શકે છે, માનસિક તાણમાં મુકી શકે છે, તમને ડિપ્રેસ કરી શકે છે અને બીજી પણ ઘણી બધી સમસ્યાઓ ઉભી કરી શકે છે. તમે કદાચ આ માટે બીજા ઘણાબધા નુસખા અજમાવી ચુક્યા હશો પણ તમને કોઈ જ લાભ નહીં થયો હોય. પણ શું તમે ક્યારેય ચા પર હાથ અજમાવ્યો છે ? ના, અહીં આપણી રોજની સવારવાળી ચાની વાત નથી થતી. રાત્રે સુતા પહેલાં પીવાવાળી ચાની વાત થઈ રહી છે. તો ચાલો જાણીએ આજે એવી વિવિધ ચા(ઓ) વિષે જેને પિતાં જ તમને ઘસઘસાટ ઉંઘ આવી જશે અને બીજા દિવસે તમે તાજગીનો અનુભવ કરશો.

વેલેરિયન ટીઃ

એન્ટિઓક્સિડન્ટથી ભરપુર વેલેરિયન એ એક ઉત્તમ કુદરતી શામક ઔષધી તરીકે જાણીતી છે જે તમારી ઉંઘની ગુણવત્તામાં વધારો કરે છે. આ ચા પીવાથી તમને ઉંઘ આવતા જે સમય લાગે છે તેમાં ઘટાડો થાય છે અને તમને જલદી ઉંઘ આવી જાય છે. તે દુઃખાવા, અનિંદ્રા અને નર્વસનેસમાં પણ લાભપ્રદ છે. સુંદર ફુલવાળા આ છોડનો ઉકાળો એટલે કે ચા ઉંઘતા પહેલાં એક કલાકે પીવો. તમારે આ ઉકાળો થોડાક દિવસ એકધારો પીવો પડશે જેથી કરીને તેની અસર થઈ શકે. માત્ર એટલું ધ્યાન રાખવું કે તેનું વધારે પડતું સેવન ન કરવું, કારણ કે તેનું વધારે સેવન કરવાથી તેની તમને લત લાગી શકે તેમ છે. માટે તેને બે અઠવાડિયાથી વધારે પીવી નહીં.

કેમોમાઇલ ટીઃ

આ પરંપરાગત આયુર્વેદિક નુસખો તમારી અનિંદ્રાની સમસ્યાને દૂર કરે છે, અને તેની સાથે સાથે માનસિક તાણ, ચિંતા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ રાહત આપે છે. આ ચા પીવાથી તમને સરસમજાની ઉંઘ આવી જશે અને જો તમારા પેટમાં ગડબડ હશે તો તે પણ ઠીક થઈ જશે. સંશોધનો જણાવે છે કે આ મીઠી અને ફૂલોવાળી ચા તમારા શરીરમાંના એ રસાયણમાં વધારો કરે છે જે તમારા જ્ઞાનતંતુઓને આરામ આપે છે અને એક હળવા ઉપશામક તરીકે કામ કરે છે. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેની ચા પિતા પહેલાં તેના પાંદડાને 10 મિનિટ પહેલાં જ પાણીમાં પલાળી દેવા.

કેટનિપ ટીઃ

આ છોડમાંથી સૈકાઓથી ચા બનાવવામાં આવે છે. આ છોડ ફૂદીનાની જાતિનો છે, ફૂદીનાના ઉપયોગની જેમ તેનો ઉપયોગ પણ રસોઈમાં થાય છે. આ ચામાં એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય છે જે તમને અનિંદ્રામાં મદદ કરે છે અને તમને તાણમુક્ત બનાવે છે. તમને કેટનિપ ટી કરિયાણાની દુકાનમાં પણ મળી જશે, ખાસ કરીને ચાની દુકાનમાં અથવા તો આયુર્વેદના સ્ટોરમાં પણ મળી જશે.

સ્લિપીટાઈમ ટી :

કેફિન વગરની હર્બલ ટી પણ તમને ઉંઘમાં મદદ કરશે અને તે તમારા મનને શાંતિની સાથે સાથે આરામ પણ આપશે. આ પ્રકારની ચા તમને કોઈ દવાની દુકાન કે આયુર્વેદના સ્ટોરમાં સરળતાથી મળી જશે.

પેશનફ્લાવર ટી :

આ વનસ્પતિ એવા લોકો માટે છે જેમને ખુબ ચિંતા રહેતી હોય અને મગજમાં ખુબ જ વિચારો ચાલતા હોય. આ વનસ્પતિના ઉકાળા એટલે કે ચાથી તમારું મન ચિંતામુક્ત બને છે. આ વનસ્પતિનો ઉપયોગ બીજી આવા જ ગુણધર્મો ધરાવતી વનસ્પતિ સાથે  કરવામાં આવે છે. સૂતા પહેલાં એક કપ ચા પીવાથી તમને ગાઢ નિંદ્રા આવી જશે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે તેનું વધારે પડતું સેવન કરવાથી તે તમારી નર્વસ સિસ્ટમને અસર થાય છે અને તમને થોડાક જ સમયમાં થાક લાગવા લાગે છે.

ડીકેફ ગ્રીન ટી : 

આ બધી જ સ્વાસ્થ્યવર્ધક ચામાં ગ્રીન ટીનો પણ સમાવેશ થાય છે અને ગ્રીન ટી એ દુનિયાની સૌથી જૂની ચા છે. કેફિન વગરની ગ્રીન ટીમાં થિયેનીન હોય છે જે સ્ટ્રેસ ઘટાડવા તેમજ ઉંઘ સુધારવા માટે જાણીતું છે.

હોપ્સ ટી : 

બિયર બનાવવાની પ્રક્રિયામાં તમે હોપનો ઉલ્લેખ કદાચ ક્યાંક સાંભળ્યો અથવા તો વાંચ્યો હશે. તેનાથી પીણામાં થોડી કડવી ફ્લેવર આવે છે.  પણ હોપ્સ જે એક પ્રકારની વનસ્પતિના ફૂલ છે તે માત્ર બિયર માટે જ નથી વપરાતા. તેનો પણ હર્બલ દવા તરીકે એક લાંબો ઇતિહાસ છે. આ ચા પીવાથી તમારી માનસિક તાણ દૂર થાય છે, તમારા જ્ઞાનતંત્તુઓ શાંત પડે છે અને તમારા શરીરને આરામ મળે છે. અને તેના આ ગુણો તેને ઉંઘતા પહેલાં પીવા માટેની ઉત્તમ ચા બનાવે છે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી