સ્તન દર્દ – મોટા ભાગની સ્ત્રીઓ શરમ અને સંકોચના કારણે કોઈને નથી જણાવતી પોતાનું દર્દ આજે જાણો કેવીરીતે આરામ મેળવી શકાશે…

0
237

સ્તનમાં દુ:ખાવો :: ખતરાની ઘંટી

અન્ય અંગોના રોગની જેમ યુવતીઓ, સ્ત્રીઓને સ્તન રોગ પણ થઈ શકે છે. સ્તનકેન્સર પ્રૌઢાવસ્થા પછી થતાં મૃત્યુનું મહત્ત્વપૂર્ણ કારણ છે. સ્તનોમાં રસોળી, ગાંઠ, દુખાવો, નિપલમાંથી લોહી, પસ નિકળવું જેવી સમસ્યાઓ હોઈ શકે છે.

સ્તનોમાં દુખાવો સૌથી સામાન્ય સમસ્યા છે. સ્તનમાં દુખાવો સતત હોઈ શકે છે અથવા દર મહિને માસિકધર્મ શરૂ થવાના અમુક દિવસ પહેલાં થતો હોય છે.

તબીબી ભાષામાં સ્તન દર્દને મેસ્ટાલજિયા કહે છે. લગભગ ૩૦ થી ૪૦ ટકા સ્ત્રીઓ સ્તન દર્દથી પીડાય છે, પરંતુ મોટાભાગની સ્ત્રીઓ શરમ, સંકોચને કારણે ડૉક્ટરનો સંપર્ક કરતી નથી.સ્ત્રીઓમાં માસિક ચક્ર વિવિધ હોર્મોનના ચક્રીય રીતના પરિવર્તનને કારણે થાય છે પરિણામે શરીરનાં વિવિધ અંગોમાં ખાસ કરીને પ્રજનન અંગોમાં ચક્રીય પરિવર્તન થાય છે.

ઉપરાંત શરીરમાં પાણી અને લવણ જમા થવા લાગે છે. જેના કારણે સ્તન ભારે બની જાય છે. માસિકના બીજા ભાગમાં સ્તનોનો આકાર મોટો થઈ જાય છે. માનસિક કારણોસર તથા હોર્મોનના પરિવર્તનને લીધે સ્ત્રીઓમાં માસિક પહેલાં સ્તન દર્દ થઈ શકે છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે સ્તન દર્દમાંથી રાહત આપી શકે છે.

 સ્ત્રીઓએ યોગ્ય માપની બ્રા પહેરવી જોઈએ.
 જો સ્તનોમાં દુ:ખાવો થતો હોય તો શેક કરવાથી રાહત મળે છે.
 જો ચક્રીય સ્તન દર્દ થતું હોય તો કોફીનું સેવન ઓછામાં ઓછું કરો. માસિક શરૂ થવાના સંભવિત દિવસથી લગભગ દસ દિવસ પહેલાં ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું કરી નાખવું.
 સ્તન દર્દમાંથી રાહત મેળવવા માટે ક્યારેક પીડાનાશક ગોળીઓનું સેવન ડોક્ટરની સલાહ લઈને કરવામાં વાંધો નથી.
 અમુક સ્ત્રીઓને વિટામિન એ, બી-૬, ઈની ગોળીઓ/કેપ્સૂલનું સેવન ડોક્ટરની સલાહ લઈને કરવાથી દર્દમાં રાહત મળે છે.
 ગર્ભનિરોધક ગોળીઓ અથવા થાઈરોઈડ હોર્મોનની ગોળીઓ ડોક્ટરની સલાહ લઈને લઈ શકો છો. આનાથી સ્તન દર્દમાં રાહત મળે છે.
 ઘણીવાર સ્તન દર્દ સ્તનોના ચેપ, રસોળી, ટયૂમર અથવા સ્તનોની આસપાસના ઊતકોના રોગને કારણે હોઈ શકે છે. તેથી રોગનું નિદાન કરી સારવાર કરાવો.
 જો વડીલોએ બતાવેલા પરંપરાગત ઉપાયોથી સ્તન દર્દમાં રાહત મળતી હોય તો એ અપનાવવામાં કોઈ વાંધો નથી.

: લગભગ ૧૫ ટકા સ્ત્રીઓમાં સતત સ્તન દર્દ જોવા મળે છે. આ દર્દ અનેક કારણોસર હોઈ શકે છે :

 સતત સ્તન દર્દ થવાનું મૂળ કારણ મોટાભાગની સ્ત્રીઓમાં જાણી શકાતું નથી. આ કોઈ ગંભીર રોગની નિશાની પણ નથી. આ મોટાભાગે પ્રૌઢાવસ્થા થાય છે. જેને ઈડિયોપેથિક મેસ્ટાલજિયા કહે છે. આવું દર્દ એક અથવા બંને સ્તનોમાં સતત અથવા તૂટક તૂટક થાય છે પરંતુ આનો માસિક ધર્મ સાથે કોઈ સંબંધ નથી હોતો. દર્દ મોટાભાગે ૪૦ વર્ષની ઉંમર પછી શરૂ થાય છે અને રજોનિવૃત્તિ પછી મટી જાય છે.

 ઘણીવાર સ્તન દર્દ સિસ્ટ, ચેપ, રસોળી અથવા સ્તનકેન્સરને કારણે પણ હોઈ શકે છે. સ્તન કેન્સર થાય ત્યારે મોટાભાગે દુ:ખાવો નથી થતો પરંતુ એ શરતે કે રોગ વધી ન જાય.
 સ્તનોની આસપાસના ઊતકો, પાંસળીઓમાં ચેપ, સોજો, સ્નાયુઓ જકડાઈ જવા, ખેંચાણ અથવા કરોડની બીમારીઓને કારણે પણ સ્તનોમાં દર્દ અનુભવી શકાય છે.

– લાઈફ કેર ન્યુઝ