એક એવું નાટક જેમાં અભિનેત્રી આઠ મિનિટ સુધી નગ્ન રહે છે

0
91

કોઈ મહિલા એક પણ વસ્ત્ર પહેર્યા વિના મંચ પર તેના પર્ફોર્મન્સની શરૂઆત કરતી હોય એની કલ્પના કરો.

રૂઢીચુસ્ત ભારતીય સમાજમાં આવી કલ્પના કરવી મુશ્કેલ છે પણ નાટ્યલેખિકા અને અભિનેત્રી મલ્લિકા તનેજા તેમનાં શરીરને મહિલાઓની સમાનતાની લડાઈમાં સૌથી શક્તિશાળી શસ્ત્ર ગણે છે.

મલ્લિકા તનેજાએ આ બાબતે બીબીસીનાં આયેશા પરેરા સાથે વાતચીત કરી હતી.

મલ્લિકાએ કહ્યું હતું કે ”અનાવૃત અવસ્થામાં એક જાહેર સ્થળે મેં પહેલીવાર પર્ફોર્મ કર્યું ત્યારે બહુ મજા પડી હતી.”

એ વખતે ત્યાં એક કેમેરામેન હતો. તમે એ પર્ફોર્મન્સનું ફૂટેજ નિહાળશો તો થોડો વિક્ષેપ દેખાશે.

તેનું કારણ એ છે કે સ્ટેજ પર પ્રકાશ ફેલાયો ત્યારે કેમેરામેન આઘાતને કારણે સ્ટેજ પરથી પડી ગયો હતો અને ઓડિયન્સમાંથી કોઈએ ‘અય્યો’ એવો પોકાર કર્યો હતો.”

33 વર્ષનાં મલ્લિકાના નાટકની આ સૌથી વધારે ચર્ચાતી વાત છે, પણ તેઓ જણાવે છે કે નગ્નતા તેમના નાટકમાં મહત્ત્વની વાત નથી.


મહિલાઓના વસ્ત્રો અને જાતીય હિંસા

‘થોડા ધ્યાન સે’ નાટકનો હેતુ, મહિલાના વસ્ત્રોને જાતીય હિંસા સાથે ખરેખર કોઈ સંબંધ છે કે કેમ એ વિશે લોકોને વિચારતા કરવાનો છે.

કોઈ પણ પરિસ્થિતિમાં એક દેહ કેટલો પ્રભાવશાળી હોય છે તેની આ એક અર્થમાં અભિવ્યક્તિ છે, જે મલ્લિકા માટે પ્રેરણારૂપ છે.

મલ્લિકાએ કહ્યું હતું કે ”લોકોનું આખું જૂથ વિખેરાય જાય અને દ્રઢ અભિપ્રાય ધરાવતી એક જ વ્યક્તિ થંભેલી રહે તો શું થાય?

એકલી વ્યક્તિ ટોળાની વચ્ચે ઊભી રહીને ટોળાને થંભાવી શકે.

દાખલા તરીકે લોકોનું જૂથ એક દિશામાં દોડી રહ્યું હોય તો એમના પ્રવાહને વિખેરવા માટે એમના પૈકીની એક જ વ્યક્તિ અવળી દિશામાં દોડવા લાગે એ પૂરતું છે.”

નાટકના પહેલા દૃશ્યમાં મલ્લિકા નગ્નાવસ્થામાં ઊભાં રહે છે અને એ જ અવસ્થામાં આઠ મિનિટ સુધી દર્શકોને નિહાળતાં રહે છે. આ દૃશ્ય ઉપરની વાતનું ઉદાહરણ છે.

મલ્લિકાના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર વર્ષ દરમિયાનના તેમના આવા દરેક પર્ફોર્મન્સ વખતે પહેલી આઠ મિનિટમાં સ્તબ્ધતા છવાઈ જાય છે.

એ મિનિટોમાં દર્શકો મલ્લિકાને જ્યારે મલ્લિકા દર્શકોને નિહાળતાં હોય છે.

એ સમયે પોતાનો દેહ સૌથી વધારે પ્રભાવશાળી હોવાની વાતથી મલ્લિકા વાકેફ હોય છે અને એ સાથે તેઓ નિઃસહાયતા પણ અનુભવતાં હોય છે.


સ્ત્રીના દેહનો ભય કેમ?

મલ્લિકાએ કહ્યું હતું કે ”ખાસ કરીને એક સ્ત્રી તરીકે મને આખો વિચાર મોહક લાગે છે.”

“સ્ત્રીના દેહમાં એવું તે શું છે જેનાથી લોકો આટલા ભયભીત થઈ જાય છે? એવું તે શું છે કે સ્ત્રીના દેહને સતત ઢાંકેલો રાખવો પડે છે?”

સ્ટેજ પર નગ્ન અવસ્થામાં પર્ફોર્મ કરવાનું કામ મલ્લિકા માટે હતોત્સાહ કરનારો અનુભવ પણ હોય છે.

તેઓ આ નાટક ભજવતાં હોય ત્યારે એકેય દર્શકને હોલમાં મોબાઈલ ફોન અને અન્ય રેકોર્ડિંગ ડિવાઈસ લાવવાની છૂટ નથી હોતી.

મલ્લિકા છેલ્લાં ચાર વર્ષથી આ નાટક ભજવી રહ્યાં છે, પણ તેમનો એકેય નગ્ન ફોટોગ્રાફ કે વીડિયો ઓનલાઈન થયો નથી, જે નોંધપાત્ર વાત છે.

નાટક આગળ વધતું જાય છે તેમ મલ્લિકા વધારેને વધારે વસ્ત્રો પહેરતાં રહે છે. એક તબક્કે તો તેઓ હેલ્મેટ પણ પહેરે છે.

આ દરમિયાન તેઓ દર્શકોને સમજાવે છે કે એક મહિલા હોવાથી તેમણે સાવધ રહેવું જરૂરી છે.

”થોડા સાવધ રહેજો” આ શબ્દોનો ઉપયોગ સામાન્ય રીતે કાળજી દર્શાવવા માટે કરવામાં આવતો હોય છે.

જાતીય હુમલાનો ભોગ બનેલી મહિલાઓને ટોણા મારવા માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે.


સ્ત્રીઓને સવાલ

સ્ત્રીઓને હંમેશા પૂછવામાં આવે છે કે મોડી રાતે બહાર શા માટે ગયાં હતાં? પુરુષો સાથે એકલા શા માટે ગયાં હતાં? અમુક પ્રકારનાં વસ્ત્રો જ શા માટે પહેર્યાં હતાં?

સ્ત્રીઓને એમ પણ કહેવામાં આવે છે કે તમને કંઈ થશે તો એ માટે આંશિક રીતે તમે પણ જવાબદાર હશો. તેથી તમારે ”થોડા સાવધ રહેવું જોઈએ.”

મલ્લિકા તેમના પોતાના દેહનો ઉપયોગ એક શસ્ત્ર તરીકે કરીને આવા વલણને પડકારવાનો પ્રયાસ કરી રહ્યાં છે?

મલ્લિકાએ કહ્યું હતું કે ”સ્ત્રીઓને મારું નાટક તેમનું પોતાનું લાગે છે, પણ ઘણા પુરુષો તેને આંખ ઉઘાડનારું માની રહ્યા છે એ વધારે મહત્ત્વની વાત છે.

નાટક નિહાળ્યા પછી કેટલાક પુરુષો કહે છે કે પુરુષ હોવાનો તેમને ભયંકર ડર લાગે છે.

અલબત, મારા નાટકનો હેતુ પુરુષોને ખરાબ લગાડવાનો નથી, પણ સીધો સંવાદ શરૂ કરવાનો છે.”

મલ્લિકા એકપાત્રી નાટક ભજવે છે તેનું કારણ તેમની જીવનશૈલી છે. તેઓ અપરણીત છે. સ્વતંત્ર છે. નોકરી કરે છે અને બાકીના સમયમાં નાટક ભજવે છે.

સફળતા અને નાણાકીય સલામતીએ પોતાને ટક્કર લેવાની વધારે તાકાત આપી હોવાનું મલ્લિકા સ્વીકારે છે.

મલ્લિકાએ કહ્યું હતું કે ”મારા પપ્પા કે મારા પરિવારમાંથી કોઈ પણ મારી જીવનશૈલી કે મારા કામ સામે ક્યારેય સવાલ ઉઠાવતું નથી.”

આ પ્રકારની સ્વતંત્ર સ્ત્રી એક વેળા દુર્લભ જણસ ગણાતી હતી. હવે એવું નથી, પણ ભારતમાં આ સામાન્ય બાબત નથી.

સ્ત્રી અપરણીત હોય તો મોટેભાગે તેમના મમ્મી-પપ્પાના ઘરમાં જ રહેતી હોય છે.


નવી પરિસ્થિતિ

નવી પરિસ્થિતિમાં ઘણી ભારતીય યુવતીઓ પડછાયામાંથી બહાર આવીને પોતાના અધિકારની વાત કરતી થઈ છે.

એવી યુવતીઓના વિચારોને પોતાની કૃતિમાં સ્થાન આપવાના પ્રયાસ મલ્લિકા તનેજા કરે છે.

મલ્લિકાએ કહ્યું હતું કે ”સ્ત્રીઓને પણ ના કહેવાનો અધિકાર છે. તેના પરિણામનો સામનો કરવો પડશે, પણ અન્યોની સરખામણીએ આપણા પૈકીની કેટલીક સ્ત્રીઓ માટે એ આસાન છે.

આપણી સાથે જે થઈ રહ્યું છે તેની સામે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો કોણ ઉઠાવશે?”

મલ્લિકાએ ઉમેર્યું હતું કે કોઈ સ્ત્રી એકવાર અવાજ ઉઠાવશે તો પણ એ સમાનતાની લડાઈમાં તેમનું મોટું યોગદાન ગણાશે.

લોકોને એક છત્ર તળે લાવવાના વ્યાપક આંદોલનનું મહત્ત્વ મલ્લિકા સમજે છે.

સાથે તેઓ ભારપૂર્વક માને છે કે દરેક વ્યક્તિ આગવું વલણ લેવાનું નક્કી કરશે ત્યારે જ પરિવર્તન થશે.

2012માં ભારતમાં આવું બન્યું હતું. દિલ્હીમાં બનેલી સામુહિક બળાત્કારની એક ભયંકર ઘટનાને પગલે હજ્જારો મહિલાઓ શેરીઓમાં ઊતરી આવી હતી.

મહિલાઓના એ રોષને પરિણામે ભારતમાં બળાત્કાર માટે આકરી સજાનો કાયદો બન્યો હતો અને બીજા નિયમો બન્યા હતા.


નાટકનું વિચારબીજ

2013માં મુંબઈમાં કામ પર ગયેલી એક મહિલા ફોટો જર્નલિસ્ટ પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

એ ઘટનાને લીધે મલ્લિકા તનેજાના મનમાં રોષ જન્મ્યો હતો. તેના પરિપાકરૂપે તેમનું નાટક સર્જાયું છે.

મલ્લિકાએ કહ્યું હતું કે ”આ લડાઈ શેના માટે છે? આપણા દેહ અને આપણી જાત માટે છે.”

મલ્લિકા તનેજાએ ઘણીવાર આકરા સવાલોનો સામનો પણ કરવો પડે છે.

ઘણી મહિલા દર્શકો મલ્લિકાને સવાલ કરે છે કે તમારું શરીર ઘાટીલું ન હોત તો પણ તમે આ નાટક ભજવ્યું હોત?

મલ્લિકાએ કહ્યું હતું કે ”આવા સવાલનો જવાબ મને ખબર નથી. મારું શરીર પહેલેથી જ આવું છે.

હું પાતળી ન હોત તો પણ મેં આ નાટક ભજવ્યું હોત એવું હું એ મહિલા દર્શકોને કહું છું, પણ સમાજમાં વધારે સ્વીકાર્ય હોય એવું મારું શરીર છે એ વાતથી હું વાકેફ છું.”

મલ્લિકાએ ઉમેર્યું હતું કે ”નાટક ભજવવા અજાણ્યા લોકોની સામે ઉઘાડા ઊભવું કેટલીક વખત સારું નથી લાગતું.”

“ક્યારેક માસિકના દિવસો હોય છે, પણ મારે મંચ પર જઈને નાટક ભજવવાનું હોય છે. તેમ છતાં આખરે આ મારો દેહ છે અને તેના પર મારો જ અંકુશ રહેશે.”

(આ સ્ટોરી સમાનતા માટે લડી રહેલી ભારતીય મહિલાઓ વિશેની શ્રેણીનો એક ભાગ છે.