રણમાં ખીલ્યું ગુલાબ… – કાશ આ વાત એણે પેહલા જ સમજી લીધી હોત તો… આજે આ પરિસ્થિતિ ના હોત…

0
75

રણમાં ખીલ્યું ગુલાબ

મારું જ ઘર બની ગયું છે કાળ કોટડી,
દેવા સજા નિર્દોષને ફાંસી ઊભી હતી

પૂરાં બાર વર્ષની જેલ કાપીને અવિનાશ બહાર આવ્યો. આમ તો એને ચૌદ વર્ષની ઉમરકેદ જ પડી હતી, પણ સારી વર્તણૂક અને જેલની અંદર યોજાયેલાં સામાજિક કાર્યોમાં આગળ પડતો ભાગ લેવાને કારણે એની સજામાં કુલ મળીને બે વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

જેલના ચડ્ડી-કૂરતું ઉતારીને પેન્ટ-શર્ટ ચઢાવીને જ્યારે એ જેલરની ઓફિસમાં પ્રવેશ્યો, ત્યારે જેલર ઝાલા સાહેબે અેને અભિનંદન આપવાની સાથે સલાહ પણ આપી દીધી, ‘અવિનાશ, ભવિષ્યમાં સાવધાની રાખજો. તમારો ક્રોધ કાબૂમાં રાખજો. આવેશમાં આવીને તમે ખૂન કરી નાખ્યું તેનું કેવું ભયંકર પરિણામ આવ્યું તે તમે જોઇ લીધું. બાર વર્ષ એ કંઇ નાનો-સૂનો સમય ન કહેવાય. એક તપ જેટલો યુગ ગણાય. બાર વર્ષમાં તો આપણા ઋષિઓ જ્ઞાન-પ્રાપ્તિ કરી લેતા હતા. અને સમયની સાથે સાથે બધું જ બદલાઇ ગયું છે. બહારની દુનિયા, એ દુનિયાના માણસો, એમનો મિજાજ આ બધું જ બદલાઇ ગયું હશે. તમે હજુ બાર વર્ષ પહેલાંની દુનિયામાં જ જીવતા હશો. માટે તમારે બહારના સમાજ સાથે અનુકૂળ થતા શીખવું પડશે. આઇ ડોન્ટ વોન્ટ ટુ સી યુ હિયર અગેઇન! તમારી ભાવિ જિંદગી માટે હું શુભેચ્છા આપું છું.’
સપાટ ચહેરો લઇને અવિનાશ જેલના તોતિંગ ગેટમાં થઇને બહાર આવ્યો. એક નજર રસ્તા પર ફેંકી ત્યાં જ એને સમજાઇ ગયું કે જેલર સાહેબનું કહેવું સાચું હતું. બધું જ બદલાઇ ગયું હતું.
‘અહીં ચબૂતરો હતો તે ક્યાં ગયો?’ એણે એક રાહદારીને પૂછ્યું.

પેલાએ ખભા ઉલ્લાળીને સામે પૂછ્યું, ‘ચબૂતરો? હું ત્રણ વર્ષથી આ શહેરમાં આવ્યો છું. મેં તો કોઇ ચબૂતરો જોયો નથી. અહીં તો હું અઠવાડિયામાં ત્રણ વાર ભજિયાં ખાવા આવું છું.’

અવિનાશની નજર ‘ભગવતી ભજિયાં હાઉસ’ લખેલા બોર્ડ પર પડી. એ હસ્યો, ‘બધું બદલાયું તો છે પણ સાવ નથી બદલાયું, પહેલાં આ જગ્યાએ પંખીઓ પેટ ભરવા માટે આવતાં હતાં, હવે માણસો પેટ ભરવા આવે છે!’

એ પગે ચાલતો જ આગળ વધ્યો. એના ખિસ્સામાં જાતકમાઇના પૈસા હતા. ધાર્યું હોત તો એણે રીક્ષા કરી લીધી હોત. પણ એ આ નવા, બદલાયેલા શહેરથી પરિચિત થવા માગતો હતો.

જમણી તરફની ગલીમાં ચાની કીટલી હતી ત્યાં અત્યારે સસ્તી હોટલ ઊભી હતી. દૂર ખુલ્લા મેદાનમાં ઘરડો લીમડો હતો એ અત્યારે દેખાતો ન હતો. ‘કાં પડી ગયો હશે, કાં પાડી નાખવામાં આવ્યો હશે. ખુલ્લું મેદાન પણ હવે ક્યાં રહ્યું છે! ત્યાં તો ઇંગ્લિશ સ્કૂલ બની ગઇ છે.’ અવિનાશની નજર બધું જોઇ રહી હતી, નોંધી રહી હતી અને જેલરની વાત સ્વીકારી રહી હતી: ‘બધું જ બદલાઇ ગયું છે.’

એક રીક્ષા એના શરીર સાથે ઘસાઇને ચાલી ગઇ. પાછળ કાર્બનનો ધુમાડો અને રીક્ષાવાળાની આગ છોડતી ગઇ, ‘સા…? અંધા હૈ ક્યા? મરના હૈ તો તાલાબ મેં જા કે મર ના!’

અવિનાશ પળવાર માટે ઝૂંઝલાઇ ઊઠ્યો. દિમાગ ઊકળી ઊઠ્યું. એક વાર આવેગ આવી ગયો કે દોડીને રીક્ષાને આંબી લઉં અને પેલાને…! પછી તરત જેલરના શબ્દો યાદ આવી ગયા: ‘તમારા ક્રોધને કાબૂમાં રાખજો… હું તમને ફરી પાછા અહીં જોવા નથી ઇચ્છતો…’

અવિનાશ હસ્યો: ‘એ રીક્ષાવાળો પણ બદલાઇ ગયો હશે. બાર વર્ષ પહેલાંના રીક્ષાવાળાઓ તો મને સારી રીતે ઓળખતા હતા. ડરતા હતા મારાથી. બે-ચારની ધોલાઇ કરી હતી એટલે મારા નામની ધાક બેસી ગઇ હતી. હવે તો રીક્ષાઓનો રંગ પણ બદલાઇ ગયો છે અને રીક્ષા ડ્રાઇવરોની પેઢી પણ…’

માત્ર રીક્ષાચાલકો જ શા માટે? રસ્તા પર જતા-આવતા મોટાભાગના લોકોની પેઢી પણ બદલાઇ ગઇ હતી. જે લોકો પરિચિત હશે એમના ચહેરાઓ પણ હવે બદલાઇ ગયા હશે. સામેથી આવતા હોય તો પણ ઓળખાય નહીં.

‘કોઇ મને ન ઓળખે અને હું પણ કોઇને ન ઓળખું એ જ સારી વાત છે. જો કોઇ મને ઓળખી જશે તો પણ વાત કરવાને બદલે મોં ફેરવી લેશે. ખૂનના અપરાધ બદલ ઉમરકેદની સજા પામનાર મારા જેવા ઘાતકીની સાથે વાત કરવા હવે કોણ તૈયાર થાય? જે મને જોશે તે નફરતની નજરથી જ…’ અવિનાશ વિચારી રહ્યો.

વાત કંઇક એવી જ હતી. અવિનાશ પ્રત્યે નફરત પેદા થઇ જાય તેવી.

અવિનાશની ઉંમર એ ઘટના વખતે અઠ્ઠાવીસની. પણ ટીનેજર હતો ત્યારથી જ એની છાપ માથાભારે ગુંડા જેવા માણસ તરીકે પ્રસરી ગઇ હતી. બે-ચાર છૂટક નોકરીઓમાંથી આવા જ કારણસર એને પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું.

પછી એણે ધાકધમકી, હપ્તા-વસૂલી, વરલી મટકું, જુગાર જેવા પાંચ-સાત કમાણીના સ્રોતો ઊભા કરી લીધા હતા. એની ઘરવાળી અવનીને, ઘરડાં મા-બાપને અને જુવાનજોધ બહેનને ગમે તેમ કરીને એ ખાવા-પીવાનું અને પહેરવા-ઓઢવાનું પૂરું પાડી આપતો હતો. પણ શહેરમાં એની પ્રતિષ્ઠા રહી ન હતી.

અવની ઘણીવાર એને સમજાવતી હતી- ‘સાંભળો છો? આ બધા ગોરખધંધા બંધ કરો. પરખ હવે જુવાન થઇ. એના માટે મુરતિયો શોધો. તમારા લીધે કોઇ સારો છોકરો એનો હાથ સ્વીકારવા તૈયાર નથી થતો.’
‘તો એમાં તને શી ચિંતા છે? પરખ મારી બહેન છે. અવિનાશ ‘ભાઇ’ની બહેન! સમજી? એ કુંવારી નહીં બેસી રહે. એને જે છોકરો પસંદ હશે એના ગળા પર રામપુરી મૂકીને હું ઉઠાવી લાવીશ. પરખને કહી દેજે મારા વતી…’

‘પરખે મુરતિયો પસંદ કરી જ લીધો છે.’ અવનીએ ધીમા સ્વરમાં મુદ્દાની વાત કાઢી.

‘તો ભસતી કેમ નથી? ખાલી-પીલી ક્યારની મારું દિમાગ ચાટે છે! નામ આપ છોકરાનું.’

‘ભુવન ભારાડીનો દીકરો લાખો.’

નામ સાંભળીને અવિનાશ જાણે સળગી ગયો! ‘કોણ ભુવન? પેલો દારૂની ભઠ્ઠી ચલાવે છે એ? મારી બહેન એવા ગુંડાના દીકરા સાથે…?’ અવિનાશને કોણ સમજાવે કે તું પોતે પણ ગુંડો જ છે!

એ રાતે તો અવનીએ માંડ એને સમજાવીને મામલો ઠંડો પાડી દીધો. પણ ચાર-પાંચ દિવસ પછી અણધારી ઘટના સર્જાઇ ગઇ. અવિનાશ રાત્રે નવ વાગ્યે બહારથી આવતો હતો અને એણે બગીચાના અંધારા ખૂણામાં પરખને લાખાની સાથે અભદ્ર હાલતમાં જોઇ લીધી. એના દિમાગ પર ખૂન સવાર થઇ ગયું. એ ત્રાડ પાડીને ત્રાટક્યો. એક જોરદાર હડસેલો મારીને પરખને દૂર કરી દીધી. લાખો કંઇ સમજે કે કરે તે પહેલાં તો અવિનાશે રામપુરી ચાકુ એની છાતીમાં હુલાવી દીધું. ઉપરા-છાપરી સાત ઘા મારી દીધા. લોહનો ફુવારો છૂટ્યો. લાખો શાંત થઇ ગયો.

પોલીસ કેસ, ધરપકડ, વકીલોના ખર્ચા, તારીખ ઉપર તારીખ અને આખરે ચૌદ વર્ષની સજા. પહેલી મુલાકાતે આવેલી અવનીએ સમાચાર આપ્યા, ‘પરખે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.’

છ મહિના પછી પિતા ગયા. બીજા બે મહિના બાદ મા પણ ગઇ. હવે બાકી રહ્યાં અવની અને છ વર્ષની દીકરી ન્યાસા. અવની ઘણીવાર રડતાં-રડતાં કહેતી હતી, ‘જિંદગી ખૂબ કઠિન બની ગઇ છે, પણ ન્યાસાના માટે જ જીવી રહી છું.’
ચૌદ વર્ષ કાઢવાં એ અવની માટે પણ આકરું કામ બની ગયું અને અવિનાશ માટે પણ.

વિચારોમાં જ રસ્તો કપાઇ ગયો. અવિનાશ ઘરે પહોંચી ગયો. અવની સ્વાગત માટે બારણામાં ઊભી હતી. અવિનાશ જોઇ રહ્યો. પૂરી શેરી બદલાઇ ગઇ હતી. ત્યાં હવે હાઇ-રાઇઝ એવાં ત્રણ બિલ્ડીંગ્સ ઊભાં હતાં. એમાં એનો પોતાનો પણ એક ફ્લેટ હતો. અવનીનો ગૃહઉદ્યોગ સારો ચાલતો હતો. ન્યાસા જુવાન થઇ ગઇ હતી. હિરોઇન જેવી સુંદર લાગી રહી હતી. ક્યાં છ વર્ષની ઢીંગલી! અને ક્યાં આ સામે ઊભેલી વીસ વર્ષની રૂપ-યૌવના!

અવિનાશથી બોલી જવાયું, ‘અવની, પહેલું કામ આપણી દીકરીને માટે યોગ્ય મુરતિયો શોધવાનું કરવું પડશે.’
ત્યાં તો ન્યાસા જ ટહુકી ઊઠી, ‘પપ્પા, તમારે મહેનત કરવી નહીં પડે. અંદર આવો. તમારા ભાવિ જમાઇ સાથે પરિચય કરાવું.’

અને અવિનાશની સામે એક સોહામણો યુવાન વિવેકસભર મુદ્રામાં બે હાથ જોડીને ઊભો હતો.
‘બેટા, તારું નામ? તારા પપ્પા…?’ અવિનાશે પૂછ્યું.

‘મારું નામ નિકેત. પપ્પાનું નામ ત્રિલોકચંદ. મોટી માર્કેટમાં એમની દુકાન…’

અવિનાશની આંખ ફાટી, ‘કોણ? પેલો ત્રિલોક તીનપત્તી તો નહીં? જે પોતાની દુકાનમાં જુગારખાનું ચલાવે છે તે? હરામખોર! મારી દીકરી હું તારા જેવા લબાડની સાથે…? અવની, મારું રામપુરી ક્યાં છે?’

ત્રાસ છવાઇ ગયો ઓરડામાં. અવિનાશની મુદ્રા જોઇને ત્રણેય જણાં આતંકિત બની ગયાં. હવામાં ફરીથી એક હત્યા અને ફરીથી એક ઉમરકેદ… હવે કદાચ ફાંસીની સજા ઘુમરાઇ રહ્યાં.

અવનીએ અવિનાશને ઝાલી લીધો. ચીસ પાડીને એ કહેવા લાગી, ‘તમે હોશમાં આવો! મારા સમ છે તમને. આમ શું વાત-વાતમાં રામપુરી ચલાવવાની વાત કરો છો! પરખ જેવી બહેનને તો ગુમાવી દીધી, હવે ન્યાસા જેવી દીકરીને પણ? અને પૂરી વાત તો સાંભળો, ત્રિલોકચંદ તો ક્યારનાયે મરી ગયા. આ એમનો દીકરો નખશિખ સંસ્કારી છે. આઇ.ટી. એન્જિનિયર થયો છે. મહિને દોઢ લાખ રૂપિયા કમાય છે. આખી દુનિયા બદલાઇ ગઇ છે, પણ એક તમે જ નથી બદલાતા! હવે તો સુધરો!’

આ કોણ બોલતું હતું? અવની કે જેલર? જગતને બદલવા કરતાં જો માણસ સ્વયં બદલાઇ જાય તો બધા પ્રશ્નો ઊકલી જાય. અવિનાશ સોફામાં બેસી પડ્યો. અવનીએ આપેલા ગ્લાસમાંથી બે ઘૂંટડા પાણી પી લીધા પછી એણે કહ્યું, ‘બેટા, ન્યાસા! નિકેત! મને માફ કરી દો! હવે પહેલું કામ તમારા લગ્નનું શુભ મુહૂર્ત કઢાવવાનું કરવું છે.’

શીર્ષકપંક્તિ: ગુલામ અબ્બાસ ‘નાશાદ’

લેખક : ડૉ.શરદ ઠાકર