બ્રિટિશ શાસન ખરેખર ખરાબ હતું?

0
67

       પ્રજા તરીકે આપણી નબળાઈઓનો અંગ્રેજોએ પૂરો લાભ લીધો. આપણે આમાંથી બોધપાઠ લેવા માંગતા હોઈએ તો આપણી નબળાઈઓને સુધારવી જોઈએ માજી વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ માનદ પદવી એનાયત કરી, એ નિમિત્તે એમણે કરેલું પ્રવચન એ માત્ર ઔપચારિકતા હતી કે વાસ્તવિકતાનો એકરાર હતો એ મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. આવા પ્રસંગોએ પદવી આપનાર સંસ્થાનો આભાર માનવો જોઈએ. વડાપ્રધાન ઓક્સફર્ડમાં ભણ્યા હતા. યુનિવર્સિટીએ એમને વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓમાંના એક તરીકે બિરદાવ્યા હતા. એમના પ્રવચનમાં વડાપ્રધાને એક ડગલું આગળ જઈને બ્રિટિશરોએ ભારતને આપેલી કેટલીક ભેટ વર્ણવી હતી અને એ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ ભેટમાં કાયદાનું શાસન, અખબારી સ્વાતંત્ર્ય, સિવિલ સેવાઓ, યુનિવર્સિટી કક્ષાની શિક્ષણ પદ્ધતિ, સંશોધન માળખું, કાનૂની પદ્ધતિ, નોકરશાહી, પોલીસતંત્ર અને અંગ્રેજીભાષાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. પ્રશ્ન એ છે કે એ લાગણીમાં ખેંચાઈને ભાવવિભોર થઈને બ્રિટિશરો પર ઓળઘોળ થઈ ગયા હતા કે પછી એમના કથનમાં નરી વાસ્તવિકતા હતી? ઉદ્યોગપતિ ભરતરામના કહેવા મુજબ આ માત્ર ઔપચારિકતા હતી. બીજા કેટલાક લોકો માને છે કે એમનું કથન દર્શાવે છે કે, દેશ હવે વાસ્તવમાં પુખ્ત બન્યો છે. એણે વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો છે. આ પ્રવચન એમ પણ દર્શાવે છે કે, ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરનો દેશ છે અને શક્તિશાળી પણ છે. વડાપ્રધાને પોતાનું ભાષણ સંખ્યાબંધ ઈતિહાસકારો પાસે ચકાસણી કરાવીને રજૂ કર્યું હતું. કેટલાક લોકો માને છે કે જે બ્રિટિશરોએ ૨૦૦ વરસ સુધી આપણને ગુલામ બનાવીને રાખ્યા અને આપણા ઉપર કેટલીયવાર અસહ્ય અત્યાચારો ગુજાર્યા એમનાં વખાણ કરવાની ધૂન વડાપ્રધાન કક્ષાની વ્યક્તિને ક્યાંથી થઈ આવી? આ વર્ગ એમ પણ કહે છે કે, બ્રિટિશરો બધી રીતે ધિક્કારને પાત્ર છે. એમણે આપણું અનહદ આર્થિક શોષણ કર્યું છે. એમણે આપણો કાચોમાલ બ્રિટન લઈ જઈને પાકો માલ અત્યંત મોંઘાભાવે ધાબડી દીધો છે. આ દેશનો સામાન્ય માણસ દેશની આજની પરિસ્થિતિથી થાકી જાય છે ત્યારે કહે છે કે, આના કરતાં તો બ્રિટિશરાજ સારું હતું. આ લોકમતને લાગણીના આવિષ્કાર ગણીને કાઢી નાંખવા જેવું નથી. જાણીતા પત્રકાર ખુશવંતસિંઘ આ માન્યતાને ટેકો આપતા કહે છે કે: આ દેશમાં રેલવે હોય, ટપાલ સેવા હોય કે સિવિલ સર્વિસ હોય બધાનું શ્રેય બ્રિટિશરોને ફાળે જાય છે. બ્રિટિશરોએ કાયદો અને વ્યવસ્થાની સ્થાપના કરી. પિંઢારાઓનો સફળતાથી નાશ કર્યો. આપણું બંધારણ પણ બ્રિટિશ સરકારે ૧૯૩૫માં ઘડેલા મોડલ ઉપર આધારિત છે. ખુશવંતસિંઘના કહેવા મુજબ આ કથન વિદેશી શાસકોની ખુશામતગીરી નથી, પણ વાસ્તવિકતાનો સ્વીકાર છે. ઈતિહાસ કહે છે કે, બ્રિટિશના આગમન પહેલા આપણો દેશ ૬૦૦ રજવાડાઓમાં વહેંચાયેલો હતો. આ બધા રાજવીઓના શાસનમાં દરેકનું બંધારણ અલગ હતું. ધ્વજ પણ અલગ હતો. એટલું જ નહીં, ચલણ પણ અલગઅલગ હતું. આ રજવાડાં હંમેશા આપસમાં લડતાં રહેતાં અને એકબીજા પર ચડાઈ કરતા અસને એકબીજાનો પ્રદેશ જીતી લેતા. એમની સરહદો વારંવાર બદલાતી રહેતી. ૧૮૫૭ના બળવા પછી બ્રિટિશરોએ શાસન ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી લઈને સીધું બ્રિટનના રાણીના હવાલે કરી દીધું. કેટલાંક રજવાડાઓ કાગળ ઉપર સ્વતંત્ર હતાં પણ એમની બાગડોર પાછલે બારણેથી બ્રિટિશરોના હાથમાં હતી. કેટલાક પ્રદેશો ઉપર બ્રિટિશરોનું સીધું નિયંત્રણ હતું. બાકીના પ્રદેશ ઉપર રજવાડી શાસન હતું. સૌરાષ્ટ્રમાં નાનામોટા થઈને ૨૦૦થી ઉપર રજવાડાં હતા. એમનું નિયંત્રણ રાજકોટની કોઠી કમ્પાઉન્ડમાંથી થતું. ૧૯૭૮માં કેન્દ્રમાં જનતા સરકાર હતી અને રાષ્ટ્રપતિ પદે સંજીવ રેડ્ડી હતા, ત્યારે પ્રજાસત્તાક દિન નિમિત્તે એમણે રાબેતા મુજબ રાષ્ટ્રજોગ વાયુ પ્રવચન કર્યું, પ્રણાલિકા મુજબ અખબારોમાં ટેલિપ્રિન્ટર ઉપર આગલી સાંજે એ જ પ્રવચન ફરીથી ઊતર્યું. મેં ધ્યાનથી જોયું તો વચ્ચેથી એકે લીટી કાપી નાખવામાં આવી હતી. આ લીટીમાં રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ આપવા બદલ બ્રિટિશરોનો આભાર માન્યો હતો. વડાપ્રધાન આ લીટી સામે વાંધો લીધો અને એ ઉલ્લેખ કઢાવ્યો. વાસ્તવમાં આ ઉલ્લેખ સાચો અને વાસ્તવિક હતો. બ્રિટિશરોએ ભલે પોતાના વહીવટી સ્વાર્થ ખાતર આખા દેશમાં એકસરખું યુનિવર્સિટી શિક્ષણ દાખલ કર્યું. મેકોલેએ દાખલ કરેલી. આ શિક્ષણ પદ્ધતિ હજી પણ આખા દેશમાં ચાલી આવે છે. આ શિક્ષણ પદ્ધતિમાં અંગ્રેજીને માધ્યમ તરીકે સ્વીકારવામાં આવી. બહુ ઓછાને ખ્યાલ છે કે, ભાષાની દ્રષ્ટિએ ભારત દુનિયાનો સૌથી વિશિષ્ટ દેશ છે. ચીન આપણા કરતા મોટો દેશ હોવા છતાં ત્યાંની ભાષા એક જ છે. રશિયા અને અમેરિકામાં પણ આજ સ્થિતિ છે. ભારતમાં સત્તાવાર રીતે દોઢ ડઝન ભાષાને બંધારણથી માન્યતા મળી છે. આ ઉપરાંત પેટા ભાષાઓ અને બોલીઓ અસંખ્ય છે. આ સ્થિતિમાં એક ભારતમાં અનેક ભારત જોવા મળે છે. અંગ્રેજીએ બધા પ્રદેશોને એક સૂત્રે બાંધ્યા. આ ઉપરાંત એક સમાન સિવિલ સર્વિસમાં દેશમાં બધે એકસરખી અમલદારશાહી ચાલે છે, કલેકટર અને મામલતદારનો કોટિક્રમ બધે એકસરખો જોવા મળે છે. આ પણ અંગ્રેજ અમલની ભેટ છે. એવું નથી કે આ પ્રથાના કોઈ દુર્ગુણો નથી. ‘વ્હાઈટ કોલર’ જોબનું દૂષણ આ પ્રથાનું જ પરિણામ છે. પણ એનો રસ્તો દૂષણ સુધારવાનો છે. આ દૂષણને કારણે સમગ્ર પદ્ધતિ ખોટી ઠરતી નથી. એવું જ પોલીસતંત્રની બાબતમાં કહી શકાય. ડી.આઈ.જી., આઈ.જી.થી માંડીને પોલીસ કમિશનર અને ડીસીપી જેવા હોદ્દાઓ આ પદ્ધતિની જ નીપજ છે. ઈરફાન હબીબ જેવા માર્કસવાદી ઈતિહાસકારો આ તર્ક સ્વીકારતા નથી. તેઓ પૂછે છે કે બ્રિટિશરોએ કેટલી યુનિવર્સિટીઓ અને શાળાઓ બંધાવી? અંગ્રેજોએ આ બધું માળખું આપણા ખર્ચે જ ઊભું કર્યું હતું. રેલવેનું નેટવર્ક એમણે આપ્યું એ વાત સાચી, પણ એને માટે એમણે પ્રજા ઉપર આકરા કરવેરા નાંખ્યા હતા. રસ્તા, નહેરો અને ડેમોનો ખર્ચ આપણાં ખિસ્સામાંથી થયો હતો. એ લોકો આ માટેનો માલસામાન બમણા ભાવે બ્રિટનથી આયાત કરતા હતા. ૧૮૯૯ના દુકાળ દરમિયાન એમણે હજારો ટન અનાજ બ્રિટનથી અત્યંત મોંઘાભાવે આયાત કર્યું હતું. વાસ્તવમાં આ દલીલ સંપૂર્ણ સાચી નથી. આમાં મુદ્દો ખર્ચનો નહીં પણ ટેકનોલોજી અને વહીવટી કુશળતાનો છે. રેલવેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટથી જૂનાગઢ સુધીની મીટરગેજ રેલવેને બ્રોડગેજમાં બદલતા ૨૦ વરસ જેટલો લાંબો સમય લાગ્યો. યાદ રહે કે રેલવે લાઈન તો હતી જ, માત્ર એના ગેજ બદલવામાં આટલો લાંબો સમય ગયો. એ જ રીતે રાજકોટથી વિરમગામ સુધીની રેલવે હજી એક જ ટ્રેક ઉપર દોડે છે. પરિણામે રાજકોટથી અમદાવાદનું ૨૨૫ કિલોમીટરનું અંતર કાપતાં રેલવે પાંચ કલાક લે છે. બીજી બાજુ લંડનથી પેરિસની દરિયાની નીચેથી જતી રેલવે ૧૧૦૦ કિલોમીટરનું અંતર માત્ર ત્રણ કલાકમાં કાપી નાંખે છે. આઝાદીના ૭૦ વરસ થયા છતાં શ્રીનગર જેવા મહત્વના શહેર સુધી રેલવે પહોંચી નથી. પૂર્વના આઠ રાજ્યોમાં ઘણાં મોટા શહેરો હજી રેલસેવાથી વંચિત છે. એ વાત સાચી કે આર્થિક રીતે બ્રિટિશ પ્રજાએ આપણું શોષણ કર્યું હતું. ખાસ કરીને કાપડ ઉદ્યોગના વિકાસમાં એમણે અવરોધો ઊભા કર્યા હતા. પણ એની સામે એમણે આપણને આધુનિક પણ બનાવ્યા. આપણા મોટાભાગના નેતાઓ બ્રિટન જઈને ભણ્યા અને ત્યાંથી સ્વતંત્રતાના પાઠ શીખી આવ્યા. ગાંધી અને નહેરુ બ્રિટનમાં જ વકીલાત ભણી આવ્યા. એમણે બ્રિટિશરોને એમના હથિયારથી જ માર્યા. વાણીસ્વાતંત્ર્યનો સિદ્ધાંત પણ આપણે બ્રિટનથી આયાત કર્યો. ૧૮૯૫માં સિનેમાની શોધ થઈ એના થોડા વરસ પછી ૧૯૧૨માં લોમિયેર બ્રધર્સે એનું પ્રદર્શન મુંબઈમાં કર્યું. ૧૯૧૩માં ભારતની પહેી ફિલ્મ ‘રાજા હરિશચંદ્ર’ રજૂ થઈ. આ પ્રશ્ન એકપક્ષીય કે અતિ સરલ નથી, બલ્કે સંકુલ છે. ૧૦-૧૨ અંગ્રેજોએ આવીને ૨૫ કરોડની વસ્તીવાલા વિશાળ દેશ ઉપર પૂરાં બસો વરસ શાસન કર્યું. ૧૮૫૭ના બળવા પછી બહાદુરશાહ ઝફરના બંને પુત્રોની જાહેરમાં કતલ કરી. ઝફરને કેદ કરીને બર્માની જેલમાં મોકલી આપ્યો. બળવા પછી એમણે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવીને દેશના ટુકડા કરાવ્યા. પણ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ટુકડા કરાવવામાં આપણા આજના રાજકારણીઓ અંગ્રેજોને પણ ચડી જાય તેવા છે. આ નીતિને કારણે કોમવાદ અને જ્ઞાાતિવાદ ઘટવાને બદલે વધ્યા છે. ચારેબાજુ અરાજકતા અને ભ્રષ્ટાચાર જોવા મળે છે. પ્રજા તરીકે આપણી નબળાઈઓનો અંગ્રેજોએ પૂરો લાભ લીધો. આપણે આમાંથી બોધપાઠ લેવા માંગતા હોઈએ તો આપણી નબળાઈઓને સુધારવી જોઈએ. અંગ્રેજો સાવ સારા નહોતા તેમ સાવ ખરાબ નહોતા. બ્રિટિશ શાહીવાદ અને બ્રિટિશરો વચ્ચે પાયાનો તફાવત છે. માજી વડાપ્રધાને ઓક્સફર્ડમાં જે કહ્યું એની સાથે માર્કસવાદીઓ સંમત થાય કે ન થાય, તટસ્થ નિરીક્ષકોએ સ્વીકારવું પડશે કે અંગ્રેજોએ આપણને પોતાના સ્વાર્થ ખાતર પણ એક સૂત્રે બાંધી દીધાં. એમણે અંગ્રેજી રૃપે સાંકળની કડી જેવી ભાષા આપી, ઉત્તમ અમલદારશાહી આપી, દાખલારૃપ ન્યાયતંત્ર આપ્યું, એમાં કોઈ ઉણપ હોય તો આપણી ઈચ્છાશક્તિની છે. વડાપ્રધાનના કથનમાં ઔપચારિકતા પણ છે. ગોવા ઉપર પોર્ટુગલનું શાસન હતું તો પોંડિચેરી ઉપર ફ્રાંસનું શાસન હતું. આ ત્રણે શાસનની સરખામણી કરવાનું કામ ઈતિહાસકારો અભ્યાસીઓનું છે. કોઈપણ પ્રશ્નની મુલવણી લાગણીના આવેશથી કે રાષ્ટ્રવાદના અતિરેકથી ન થાય. મૂલ્યાંકન માટે ખૂલ્લું દિમાગ અને તટસ્થ દ્રષ્ટિ જરૃરી છે. અંગ્રેજોએ જે જલિયાંવાલા બાગ જેવાં હત્યાકાંડો પણ સર્જ્યા હતા પણ એ ભૂલવું ન જોઈએ કે ગોળીબારનો હુકમ કરનાર જનરલ ડાયર એક અંગ્રેજ હતો, પણ એ હુકમનો અમલ મોટાભાગના ભારતીય સિપાહીઓએ કર્યો હતો. અંગ્રેજોના ખાતામાં આવી સંખ્યાબંધ નકારાત્મક ઘટનાઓ પડી છે, પણ સંખ્યાબંધ રચનાત્મક પગલાં પણ પડેલાં છે. રાજા રામમોહનરાયના સૂચનથી લોર્ડ બેન્ટિકે સતીપ્રથાની નાબૂદી જેવું ક્રાંતિકારી પગલું લીધું હતું. આજે રાજસ્થાનની સરકાર સતીપ્રથા અને બાળલગ્ન જેવી સામાજિક બદીઓ દૂર કરવાને બદલે એમાં અત્યંત ઢીલી નીતિ અપનાવી રહી છે. આપણા આજના શાસકો મત મેળવવા માટે પ્રજાવિરોધી નીતિઓ અપનાવી રહ્યા છે.